<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

ડેડિયાપાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિએ વન કર્મીઓ પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:ડેડિયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિએ ફરજ પરના વન કર્મીઓ પર હુમલો કરતા એમની વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

     આ ઘટનાની ડેડિયાપાડા ફોરેસ્ટના રાઉન્ડ ફોરેસ્ટર રાહુલ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ 20 ફેબ્રુઆરીએ ડેડિયાપાડા ફોરેસ્ટના રાઉન્ડ ફોરેસ્ટર રાહુલ વસાવા પોતાની રેન્જનના આર.એફ.ઓ રીના ચૌધરી, સેજપુર રાઉન્ડ ફોરેસ્ટર આર.સી.વસાવા તથા બિટગાર્ડ વી.પી. વસાવા સાથે ડેડિયાપાડા હાટ ચોકડી નજીક ફોરેસ્ટ વિભાગની 0.50 હેક્ટર જમીનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાવેતર કરેલ "નમો વડ વન" અંતર્ગત પ્લાન્ટેશન ચેક કરવા આવ્યા હતા.

  એ દરમિયાન ત્યાં ખાડા ખોદેલા હતા અને ડેડિયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયત તરફથી જાહેર નોટિસનું બોર્ડ લગાવાયું હતું.એ દરમિયાન ત્યાં ડેડિયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ના પતિ દેવજીભાઈ વસાવા ત્યાં આવી પહોચતા તેમને પૂછ્યું હતું કે આ તાળું કોણે તોડ્યું..? નોટીસ કોણે લગાવી.. ? ત્યારે દેવજી વસાવાએ તું કોણ પૂછવા વાળો એમ કહી મહિલા વન કર્મી સહિત રાહુલ વસાવાને ગાળો ભાંડી હતી.ત્યારે વન કર્મીએ દેવજી વસાવાને જણાવ્યું હતું કે આ વન વિભાગની જમીન છે આ જમીન ગ્રામ પંચાયતની છે એવા કોઈ પુરાવાઓ હોય તો આપો.એ દરમિયાન રાહુલ વસાવાએ નોટિસ બોર્ડ છોડતા દેવજી વસાવાએ એમને લાફા ઝીંકી જાનથી મારવાની ધમકી આપી હતી.એ દરમિયાન મહિલા સરપંચે આવતા મામલો થાળે પડ્યો હતો.
  આ મામલે ડેડિયાપાડા ફોરેસ્ટના રાઉન્ડ ફોરેસ્ટર રાહુલ વસાવાએ ડેડિયાપાડા પોલીસ મથકમાં દેવજી વસાવા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(10:21 PM IST)