<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

મહેસાણા હાઇવે પર કાળમુખો અકસ્માત: લગ્નનો હરખ માતમના માહોલમાં ફેરવાયો, એક જ પરિવારના ૫ સભ્યોના કરુણ મોત

ઊંઝાના ઉનાવા પાસે ઇકો કાર ડિવાઇડર સાથે અથડાતા સર્જાયો ચીસિયારીઓ પાડતો અકસ્માત: રાજસ્થાનથી પ્રસંગ માણી પરત ફરી રહેલા પરિવારને નડ્યું કાળચક્ર

મહેસાણા (ઉનાવા): મહેસાણા-દિલ્હી હાઇવે પર ઊંઝા તાલુકાના ઉનાવા ગામ નજીક એક કાળજું કંપાવનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. આ ભયાનક દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય છ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના ફુરચા ઉડી ગયા હતા અને હાઇવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ દુર્ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, આ કમનસીબ પરિવાર રાજસ્થાનમાં એક લગ્ન સમારોહ પતાવીને પોતાના વતન પરત ફરી રહ્યો હતો. તેમની ઇકો કાર જ્યારે ઉનાવા પાસે આવેલી કોમ્ફી હોટલ નજીક પહોંચી, ત્યારે ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પૂરપાટ ઝડપે રોડ વચ્ચેના ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારની ગતિ એટલી તેજ હતી કે અથડાયા બાદ અંદર બેઠેલા મુસાફરોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી. અકસ્માતના અવાજને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા છ લોકોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કર્યું છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં ચાલકને જોકું આવી ગયું હોવાને કારણે અથવા અન્ય કોઈ તકનીકી ખામીને લીધે આ અકસ્માત થયો હોવાની શંકા સેવવામાં આવી રહી છે. હાલ ઉનાવા પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

(12:58 PM IST)