<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

૨૧ ફેબ્રુઆરી: વિશ્વ માતૃભાષા દિવસ

માતૃભાષા માત્ર બોલવા માટે નથી, તે તો ‘જીવવાની કળા’ છે: વિશ્વ માતૃભાષા દિવસે વરિષ્ઠ અધિકારીનું હૃદયસ્પર્શી મંથન

ગુજરાતી ભાષાની ગરિમા અને સંસ્કારોનો વારસો: પિત્તળિયા ખોપડી છટકે છતાં જબાન પર અપશબ્દ કેમ નથી આવતા? – ભજનો, ગીતો અને માતા પાસેથી મળેલી ભાષાની શક્તિ વિશે રાજકોટના પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ હિમાંશુભાઈ ધર્મદર્શીના પ્રેરક વિચારો


રાજકોટ: ૨૧ ફેબ્રુઆરી એટલે કે 'વિશ્વ માતૃભાષા દિવસ' ના અવસરે, ગુજરાતના વરિષ્ઠ અધિકારી અને ચિંતક શ્રી હિમાંશુભાઈ ધર્મદર્શી (ડાયરેક્ટર જનરલ, iCAL) એ ભાષા પ્રત્યેના પોતાના ઊંડા પ્રેમ અને વર્તમાન પેઢીની ભાષાકીય સ્થિતિ પર મર્મસ્પર્શી આલેખન કર્યું છે. તેઓ જણાવે છે કે, ગુજરાતી ભાષા એ માત્ર અભિવ્યક્તિનું માધ્યમ નથી, પરંતુ તે એક આખું જીવન છે. પોતાની ઓફિસમાં આવતા અન્ય પ્રદેશના યુવાનોને તેઓ જ્યારે 'વૈષ્ણવ જન' કે 'એકડૉ સાવ સળેખડો' જેવા ગીતો શીખવે છે, ત્યારે તેમનો હેતુ માત્ર ભાષા શીખવવાનો નથી, પણ તેમને આ સંસ્કૃતિના મૂળિયાં સાથે જોડવાનો હોય છે.
મારી અમદાવાદની ઓફિસમાં વર્ષે-વર્ષે નવા છોકરાઓ આવે. એકાદ ગણ્યા-ગાંઠ્યાને બાદ કરતા, બાકી બધા બહારના પ્રદેશથી! ગુજરાતીઓને વાંચવું ગમતું નથી એ સિદ્ધ કરવા માટે આનાથી વધુ બીજો શું પુરાવો જોઈએ? ગુજરાતમાં નોકરી કરવા માટે, આ છોકરાઓને ગુજરાતી શીખવું આવશ્યક છે. મારું ગુજરાતી હૃદય એમને માત્ર પાસ થવા માટે, એક આવશ્યકતા પૂરી કરવા માટે અપાતી ગુજરાતીની તાલીમથી કંપે છે. ક્યારેક સમય કાઢીને હું એમને અલગ-અલગ ગીતો શીખવાડું છું. પ્રયત્ન એ રહે છે કે એ બહાને એમનો ગુજરાતી સંસ્કૃતિ સાથે, લોકજીવન સાથે, સંગીત સાથે પરિચય થાય અને એ રીતે એમનાં મૂળિયાં અહીંની જમીનમાં રોપાય.
એકડૉ સાવ સળેખડો…
જળ કમળ છાંડી જાને બાળા...
વૈષ્ણવ જન તો તેને રે કહીએ...
પંખીડાને આ પીંજરું…
એક વાર યમુનામાં આવ્યું'તું પૂર....
સાંવરિયો રે મારો સાંવરિયો...
એક બીજી બાબત જે મને કાયમ કનડે છે તે છે, ભાષામાં અપશબ્દોનો વધતો જતો પ્રયોગ. એનો વપરાશ આજકાલ જાણે ફેશન બની ગયો છે અને એવું માનવામાં આવે છે કે જાણે એના વિના કેટલીક ફિલ્મો કે ઓટીટી પર પ્રસારિત થતી શ્રેણી ચાલે જ નહીં. નાનપણથી ઘરમાં કોઈ કડવા કે ઊંચા અવાજે પણ શબ્દ સાંભળ્યા નથી, એટલે અપશબ્દ બોલવાનો તો પછી સવાલ જ ક્યાંથી આવે? સ્કૂલમાં ભાગ્યે જ, કોલેજમાં ક્યારેક અને નોકરીમાં ઘણી વાર અપશબ્દ ને કઠોર શબ્દ મારે કાને પડ્યા છે. ખોટા સરનામે મોકલેલી ટપાલની જેમ જ એ કાને અથડાઈને પાછા ફરી ગયા છે.
હા, મને ગુસ્સો આવે છે, ઘણી વાતે ગુસ્સો આવે છે. મારા એક પરમ મિત્રના માતાજી કહેતા તેમ, મારી પિત્તળિયા ખોપડી ક્યારેક છટકે છે, ત્યારે રોષે ભરાઈને ઘણી વાર જોર-જોરથી બોલ્યો હોઈશ ને વસ્તુઓ પણ પછાડી કે ફેંકી છે (અને પછી એના અવશેષ જાતે જ ઉપાડ્યા છે!). સાચે જ ગુસ્સાને કારણે કે મનગમતું ન કરી શકવાની કે અણગમતું કરવા પડાતી બળજબરીની અકળામણમાં આવું થાય છે, એ મને સમજાયું નથી. પણ, કઠોર કે અપશબ્દ મારી જબાન પર આવ્યા નથી. મારી ભાષાનું સ્તર હંમેશાં જળવાયેલું રહે છે.
બીજો એક પરમ મિત્ર કહે છે કે, "તું અમારા ડિપાર્ટમેન્ટમાં ના ચાલે!"
"કેમ ભાઈ? તારું ડિપાર્ટમેન્ટ ભારત સરકારનો હિસ્સો નથી???"
"ના, એવું નથી પણ તું ગમે તેવો ગુસ્સો કરે, તારી ભાષામાં કોઈ ખખડે નહીં ને ગાળાગાળી કર્યા વગર અહીં લોકો સમજતા નથી!"
નોકરી દરમિયાન મારા મિત્રોને બહુ છૂટથી એવી જબાનમાં બરાડતા સાંભળ્યા છે. એ લોકો પણ મને કંઈક આવી જ વાત કરે છે, જે મારા ગળે ઊતરતી નથી...
કડવા કઠોર શબ્દ, ને એ પણ મરચાના પાણીમાં બોળીને વીંઝેલા ફટકારેલા શબ્દો, મને ખૂબ કનડે છે અને રાત્રે ઊંઘ નથી આવતી. એથીયે વધારે એવો વિચાર ક્યારેક ઝબકી જાય છે કે જે શબ્દો સાંભળીને મને આવી કનડગત થાય છે, હેરાનગતિ થાય છે, એ બોલનારને કેટલી થતી હશે? કે પછી કેમ નહીં થતી હોય?
જડ - સંવેદનવિહીન – લાગણીહીન બની ગયા છીએ આપણે... એક દેશમાં લડાઈને વર્ષો વીતી ગયા અને એક સ્થળે કુદરતી આફતમાં હજારો લોકો મૃત્યુ પામ્યા. આપણા માટે એ માત્ર એક સમાચાર બનીને રહી જાય છે.
સમય વધુ ને વધુ કઠોર-કપરો થતો જાય છે. સરકારી નોકરીમાં જેમ-જેમ સીડીનું એક-એક પગથિયું ઉપર ચઢો તેમ-તેમ, રોજ-રોજ કંઈક ને કંઈક એવું બન્યા કરે છે કે મને લાગે જાણે આ બધા પ્રશ્નો ઉકેલવાની તો કોઈ તાલીમ નહોતી મળી. કામ પ્રત્યે ઘોર ઉપેક્ષા, બેદરકારી, અનિયમિતતા, આળસ, ગમે તેમ કરીને કામ પતાવવું, સંપત્તિનો દુરુપયોગ અને એની સાથે તમામ પ્રકારના દબાણ, ભ્રષ્ટાચાર વચ્ચે સરકારી નિયમોની મર્યાદામાં કામ લેવું કપરું છે...
આ સમયે મને મારી મમ્મીની ખાસ યાદ આવી જાય છે. નોકરી અને ઘર, અમને બેઉ ભાઈઓને સાચવવામાં અમારો ઉછેર ખાસ્સી શિસ્તમાં થયો. ઘણી વાર એણે સહેજ કડકાઈથી ના પાડી હશે, ને મારી વિનંતી નહીં માની હોય. ક્યારેક એણે કઠણ બની નિર્ણય લીધો હશે, પણ મને કદી કોઈ કઠોર શબ્દ કે ઘાંટો પણ સાંભળ્યાનું યાદ નથી.
આઈઝોલ હોય કે અગરતલા, અમદાવાદ હોય કે રાજકોટ; ઓફિસની માથે પડેલી જવાબદારી જેવી હાલત, કામની અજ્ઞાનતા, ચાલ્યા કરે એ તો; એવો અભિગમ જોઈને મને બહુ અકળામણ થાય છે. ઘણી વાર ગુસ્સો પણ આવતો રહે છે પણ કઠોર શબ્દ કે અપશબ્દ હજુ મારી જબાન પર આવતા નથી. મારી ભાષાની ગરિમા સદભાગ્યે જળવાઈ રહી છે. કેમ કે એ મારી માતૃભાષા ગુજરાતી છે. મને મારી ભાષા ગમે છે. ગુજરાતી ભાષાની મારી પહેલી શિક્ષક મારી માતા હતી, એનું મને ગૌરવ છે અને એટલું જ ગૌરવ મારી માતાનું પણ છે. 'ગરિમા' શબ્દનો મતલબ મને વ્યવહારથી જ શીખવેલો. આ મારી ભાષા મેં પહેલીવાર મારી માતા પાસેથી સાંભળેલી, અને આગળ જતાં શાળા અભ્યાસ દરમિયાન ગુજરાતી ભાષાના કેટલાય શિક્ષકો; મીનાબહેન, સોની ટીચર, વિરુમતી ટીચર, અને પછી ઉષાબહેન દવે, અપર્ણા બહેન - જેમણે એક માતાની જેમ જ સ્નેહ-ધીરજથી આ ભાષા માટેની મારી લાગણીને માત્ર ટકાવી જ નહીં પણ વધુ બળ આપ્યું.
કેટલાય ગુજરાતી ગીતો-ભજનો મેં મમ્મી પાસેથી જ પહેલીવાર સાંભળ્યા અને પછી શીખ્યાં.
રાખના રમકડાં,
દયાના સાગર થઈને,
બાઈ મેં તો પકડી આંબલિયાની ડાળ રે,
ઓરે ઓલી ગેબી ગગન કેરી કોરથી ઊતરતો,
મુખડે મરકતો હૈયે હરખતો ફૂલડે ફરકતો, એ ફાગણ આયો..
બાજે મૃદંગ ઢોલ, બાજે પખવાજ ખોલ, બાજે એ તંબૂરાના તાર, મંદિરમાં બાજે છે બંસરી...
કોણ બંસરી વગાડે, ઓ કોણ રે વગાડે, ઓલ્યા વગડાની કોર....
અને ગુજરાતી સદાબહાર ગીતો:
તને જાતાં જોઈ પનઘટની વાટે,
તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે...
પંખીડાને આ પીંજરું,
ચરર ચરર મારું ચકડોળ,
સજન મારી પ્રીતડી,
એક રજકણ સૂરજ...
આ ભજનો-ગીતોનો સમૃદ્ધ વારસો મને સોંપીને એ ચાલી ગઈ. હું યથાશક્તિ કોશિશ કરી રહ્યો છું કે એ સચવાઈ રહે અને આગામી પેઢી સુધી ટકી રહે. કુશાનને 'પંખીડાને આ પીંજરું' ગમ્યું અને એના પ્લેલિસ્ટમાં એ ઉમેરાયું ત્યારે મારે કાળજે અનેરી ઠંડક અનુભવાઈ.
સદભાગ્યે હજુ ગુજરાતીમાં વાંચી શકાય છે અને એથીયે વધારે તો હજુ સુધી કંઈક લખી પણ શકાય છે. કુન્દનિકા કાપડીઆ કહે છે કે: ‘લખવું એ મને હંમેશાં બીજી કોટિની (સેકન્ડરી) વસ્તુ લાગે છે, પહેલી કોટિની (પ્રાઇમરી) વસ્તુ છે: જીવવું. અનુભૂતિ તે મુખ્ય વસ્તુ છે, આલેખન પછી આવે છે. પ્રથમ કોટિમાં આવે છે - અનુભૂતિ...’ મને પણ લાગે છે કે ગુજરાતી ભાષા એ માત્ર અભિવ્યક્તિનું માધ્યમ નથી પણ એ એક આખું જીવન છે.
ફાધર વાલેસ એમના એક પુસ્તક 'વાણી અને વર્તન' માં લખે છે કે:
“ટેલિવિઝનમાં ભાષા હણવાની શક્તિ છે, એનું મનોવૈજ્ઞાનિક કારણ છે. માનવમનની બે મૂળ ક્રિયાઓ છે... એક ગ્રહણ કરવાની અને એક વ્યક્ત કરવાની. સાંભળવું, વાંચવું, જોવું એ ગ્રહણ કરવું અને બોલવું, વિચારવું, લખવું એ વ્યક્ત કરવું. એ બે પ્રક્રિયાઓ પરસ્પર વિરોધી છે, ઉલટી દિશાઓમાં છે. એક અંદર તરફ અને એક બહાર તરફ. એ બે પ્રક્રિયાઓ જુદી હોવાથી એકમાં વૃદ્ધિ થાય તો બીજીમાં પણ થાય તેમ નથી. ટીવી સેટ આગળ બેસો, જુઓ, સાંભળો અને ચિત્ર તથા અવાજ આપોઆપ મગજમાં આવે ને સમજણ પડે ને મજા આવે. આ આરામની જ પ્રક્રિયા છે. એથી ઉલટું, વ્યક્ત કરવું અઘરું છે. ટીવી સહેલી-સહેલી પ્રક્રિયાને પોષણ આપે છે, કલાકોના કલાકો સુધી માણસને બેસાડીને એના કાન અને આંખ ભરી દે છે, એટલે આપોઆપ અઘરી પ્રક્રિયાને દબાવી દે છે. તેને કારણે મન આળસુ થાય છે અને શબ્દશક્તિ ઓછી થતી જાય છે. વ્યાકરણશક્તિ તો લુપ્ત જ થતી જાય છે.”
વાત એકદમ સાચી છે. ભાષા આપણાથી વધુ ને વધુ દૂર સરતી જાય છે. જમાનો લાઘવનો છે અને સમયના માની લીધેલા અભાવનો છે. એક ઇમોજીથી કામ ચાલી જાય તો બે શબ્દ લખવાની જરૂર નથી. પણ એવી રીતે જ વ્યવહારમાંથી શબ્દો લુપ્ત થતા જાય છે. વળી, સાદી-સરળ આપસની બોલચાલની ભાષા પણ હવે પહેલા જેવી શુદ્ધ રહી નથી. એના પર બીજી ભાષાઓનું પ્રભુત્વ વધતું જાય છે.
કેટલાય શબ્દો એવા છે જેના માટે આપણે વિદેશી શબ્દો અપનાવી લીધા છે. શાક માર્કેટમાં એક અભણ શાકવાળી પણ કહે છે કે, "છૂટા નથી, કોઈ પોબલેમ (પ્રોબ્લેમ) નહીં!" વાંધો કે સમસ્યા - આ બે કેટલા સરળ શબ્દો ઉપલબ્ધ છે, પણ એને લોકભોગ્ય બનાવવાનું, વ્યવહારમાં પ્રયોગમાં લાવવાનું કામ એક સજાગ ગુજરાતી તરીકે આપણે કરતા નથી.
૨૫મી જાન્યુઆરીએ અમે અંબોજથી મહુડીની પદયાત્રા પર ચાલી રહ્યા છીએ. હજુ ચારે તરફ કાળું ડિબાંગ અંધારું છે અને સરસ મજાની કડકડતી ઠંડી છે. જમણી તરફ પૂર્વ દિશામાં આકાશનો રંગ સહેજ બદલાય છે. કાળામાંથી આછો રાખોડી થાય છે અને હું મારા સાથીદારોને કહું છું કે, "આપણે 'પ્હો ફાટ્યું' કહીએ છીએ તે આ જુઓ." અને સહેજ વાર પછી એકબીજાના ચહેરા ઓળખાવા લાગ્યા, 'મ્હોં સૂંઝણું' થયું. ઓહ્, સમયને બરાબર આલેખવા પણ મારી ભાષામાં કેટ-કેટલા બળકટ શબ્દો છે....
મારો દીકરો અને એના ગુજરાતી મિત્રો ઘરે પણ એકબીજા સાથે હિન્દીમાં વાત કરે છે અને મારા દિલ પર એક ઉઝરડો પડે છે. અંગ્રેજી માધ્યમ અને સીબીએસઈ શાળાનો આ પ્રભાવ છે. ઉચ્ચ અભ્યાસની અને વ્યવસાયની ભાષાનું સ્થાન હવે અંગ્રેજીએ લઈ લીધું છે. વ્યવસાયની ભાષા હોય તે આસાનીથી જળવાય છે. એટલે જ નોકરીમાં અંગ્રેજીનું ચલણ વધ્યું છે, પણ સ્થાનિક બજારોમાં હજુ માતૃભાષા ચાલે છે. સાવ દૂર-સુદૂરના પ્રદેશોમાં પણ ત્યાંની બોલીના શબ્દો એટલે જ તો શીખવા પડે છે! માતૃભાષા દિવસ જેવા પ્રસંગે અને એમ પણ કળા-સાહિત્યના સંમેલનોમાં ચારે તરફ કાગારોળ મચી છે કે ગુજરાતી ભાષા ભુલાઈ રહી છે. ભાષાને ભુલાવી કોણે? આપણે જ તો!
માતૃભાષા એ કોઈ પાટણનું પટોળું થોડું છે કે એને પ્રસંગોપાત પહેરીને પાછું સાચવીને કબાટમાં મૂકી દઈએ? ભાષા તો રોજબરોજનો પહેરવેશ છે, એને તો રોજ ઉપયોગમાં લેશો તો જ એ સચવાશે અને સમૃદ્ધ થતી રહેશે.
આલેખન:
શ્રી હિમાંશુભાઈ ધર્મદર્શી
ડાયરેક્ટર જનરલ, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સ (iCAL) અને પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ (એએન્ડઇ), રાજકોટ, ગુજરાત.

(12:15 AM IST)