News of Saturday, 21st February 2026
અમદાવાદના SP રિંગ રોડ પર મધરાતે 'ચક્કાજામ': ડિવાઈડર કટ બંધ થતા ઉશ્કેરાયેલા હજારો સ્થાનિકો રસ્તા પર ઉતર્યા
વૈષ્ણોદેવી-ઝુંડાલ રોડ પર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ: ન્યુ ત્રાગડ અને ચાંદખેડાના રહીશોનો તંત્ર સામે મોરચો, 5 કિમીનો લાંબો ફેરો ખાવા મજબૂર બનેલા વાહનચાલકોનો પિત્તો ગયો

અમદાવાદ:અમદાવાદના વ્યસ્ત ગણાતા એસપી રિંગ રોડ પર આજે (21 ફેબ્રુઆરી, 2026) મોડી રાતે ભારે હોબાળો અને અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા. વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જવાના માર્ગ પર આવેલા એક મહત્વના ડિવાઈડર કટને તંત્ર દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવતા ન્યુ ત્રાગડ અને ચાંદખેડા વિસ્તારના સ્થાનિકોમાં જ્વાળામુખી ફાટ્યો હોય તેમ રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા સેંકડો લોકોએ રસ્તા વચ્ચે ઉતરી આવી ટ્રાફિક રોકી દીધો હતો, જેના કારણે જોતજોતામાં રિંગ રોડ પર 3 કિલોમીટરથી વધુ લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી. મધરાતે સર્જાયેલા આ જામમાં સેંકડો મુસાફરો અને પરિવાર સાથે નીકળેલા વાહનચાલકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા.
સ્થાનિકોની મુખ્ય ફરિયાદ એ છે કે, આ ડિવાઈડર કટ બંધ થઈ જવાથી તેમને પોતાના ઘરે પહોંચવા માટે બિનજરૂરી રીતે 4થી 5 કિલોમીટરનો લાંબો ફેરો ખાવો પડે છે. ન્યુ ત્રાગડના રહીશો માટે આ કટ જીવનરેખા સમાન હતો, જે હવે બંધ થઈ જવાથી રોજિંદા પરિવહનમાં ભારે આર્થિક અને માનસિક બોજ વધી રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને અથડાઈને રજૂઆતો પાછી આવતી હોવાથી, આખરે કંટાળેલા રહીશોએ 'રસ્તો રોકો આંદોલન'નો આક્રમક માર્ગ અપનાવ્યો હતો. સ્થિતિ વણસતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પ્રદર્શનકારીઓને સમજાવીને ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
