તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
વડોદરા પાલિકામાં ‘પાણી’ની જેમ પૈસા વહ્યા: વાંસની સ્ટીક માટે ૧૦ લાખ અને પીવાના પાણી માટે ૧.૫ લાખનો ધુમાડો, RTIમાં ચોંકાવનારો ખુલાસો
જનતાના પરસેવાની કમાણી પર વહીવટીતંત્રની ‘મહેરબાની’: ‘હર ઘર તિરંગા’ અને VIP સરભરાના નામે કરોડોનું આંધણ, મીડિયા મેનેજમેન્ટ પાછળ ૧ કરોડ ચૂકવાતા ભ્રષ્ટાચારની ગંધ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં વહીવટી પારદર્શિતાના ધજાગરા ઉડાવતો એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના જનસંપર્ક વિભાગ દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમોના ખર્ચમાં મસમોટું ‘કૌભાંડ’ થયું હોવાના ગંભીર આક્ષેપો સાથે પાલિકાની રાજનીતિ ગરમાઈ છે. અપક્ષ કાઉન્સિલર આશિષ જોશીએ આરટીઆઈ (RTI) દ્વારા મેળવેલા દસ્તાવેજોએ પાલિકાના સત્તાધીશોને શંકાના દાયરામાં લાવી દીધા છે.
સામાન્ય ચીજવસ્તુઓના અસામાન્ય બિલો
RTI માં મળેલી વિગતો મુજબ, પાલિકાએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત માત્ર તિરંગા માટેની વાંસની સ્ટીક (લાકડીઓ) પહોંચાડવા પાછળ ૧૦ લાખ રૂપિયાનો આંધણ કર્યો છે. આટલું જ નહીં, મ્યુનિસિપલ કમિશનરની સાપ્તાહિક રિવ્યુ મીટિંગમાં અધિકારીઓ માટે મંગાવવામાં આવતી પાણીની નાની બોટલોનો ખર્ચ જ ૧.૫ લાખ રૂપિયાને વટાવી ગયો છે. સામાન્ય બજાર ભાવ કરતા અનેકગણા વધારે બતાવવામાં આવેલા આ બિલો વહીવટીતંત્રની દાનત સામે સવાલો ઉભા કરી રહ્યા છે.
મીડિયા મેનેજમેન્ટના નામે ‘મહેરબાની’
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, એક ખાનગી મીડિયા મેનેજમેન્ટ એજન્સીને પાલિકાએ ૧ કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવી છે. જનતાના ટેક્સના પૈસાનો આ પ્રકારે ખાનગી એજન્સીઓ પાછળ થતો વ્યય કોઈ મોટા કૌભાંડ તરફ ઈશારો કરી રહ્યો હોય તેમ જણાય છે. કાઉન્સિલર આશિષ જોશીએ આ બાબતે નિષ્પક્ષ તપાસની માંગ કરતા જણાવ્યું છે કે, જો ઉચ્ચ સ્તરીય ઓડિટ કરવામાં આવે તો હજુ પણ અનેક સ્ફોટક વિગતો બહાર આવી શકે છે.
તંત્રનો લૂલો બચાવ
બીજી તરફ, જનસંપર્ક વિભાગના અધિકારી જીગ્નેશ ગોહિલે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તંત્રનું કહેવું છે કે તમામ કામગીરી નિયમોનુસાર અને મંજૂરી બાદ જ કરવામાં આવી છે. જોકે, ભૂતકાળમાં પણ વડોદરા પાલિકા રોડ-રસ્તા અને ડ્રેનેજ પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલી રહી છે, ત્યારે આ નવા પુરાવાઓએ સત્તાધારી પક્ષને ભીંસમાં મૂક્યો છે.
હાલમાં તો આ RTI એક્સપોઝને પગલે પાલિકાના અધિકારીઓ અને સત્તાધારી પક્ષમાં ફફડાટ વ્યાપી ગયો છે. જનતામાં પણ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું તેમના પરસેવાની કમાણી ખરેખર શહેરના વિકાસમાં વપરાય છે કે પછી આવા ‘કાગળ પરના ખર્ચ’માં જ સ્વાહા થઈ જાય છે?
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
