<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) માં ચોરી કરનારાઓની ખેર નહીં: ૨૯૭ વિદ્યાર્થીઓની કારકિર્દી પર ‘ગ્રહણ’, યુનિવર્સિટીએ ફટકાર્યો લાખોનો દંડ અને એક વર્ષનો પ્રતિબંધ

CCTV ફૂટેજ અને પુરાવાઓએ ખોલી પોલ; ૭૦૦ વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં હતા, જેમાંથી ૨૯૭ સામે ‘શુદ્ધિ સમિતિ’એ લાલ આંખ કરી, ‘ઝીરો ટોલરન્સ’ નીતિથી ગેરરીતિ આચરતા તત્વોમાં ફફડાટ

પાટણ: પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ના પરીક્ષા ખંડમાં સ્માર્ટ બનવા ગયેલા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ‘કાળું વર્ષ’ સાબિત થયું છે. પરીક્ષામાં ગેરરીતિ આચરવી કેટલી ભારે પડી શકે છે, તેનો જીવતો-જાગતો દાખલો યુનિવર્સિટી પ્રશાસને બેસાડ્યો છે. શુદ્ધિ સમિતિની સુનાવણી બાદ સેંકડો વિદ્યાર્થીઓને આકરી સજા ફટકારવામાં આવતા શૈક્ષણિક આલમમાં ખળભળાટ મચી ગયો છે.
સેમેસ્ટર-૧ ની પરીક્ષામાં મચી હતી ‘ધૂમ’ ચોરી
ઓક્ટોમ્બર-ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાયેલી સેમેસ્ટર-૧ ની પરીક્ષામાં યુનિવર્સિટીના ઉડન દસ્તા (ફ્લાઈંગ સ્ક્વોડ) એ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન અંદાજે ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ કાપલીઓ અથવા અન્ય અયોગ્ય સાધનો સાથે શંકાના દાયરામાં આવ્યા હતા. યુનિવર્સિટીએ આ તમામ સામે ‘કોપી કેસ’ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
સીસીટીવીએ વિદ્યાર્થીઓની પોલ ખોલી
પરીક્ષા શુદ્ધિ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી સુનાવણીના પ્રથમ તબક્કે ૩૬૫ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. અહીં કોઈની દલીલ ચાલી નહોતી, કારણ કે સીસીટીવી ફૂટેજમાં વિદ્યાર્થીઓની એક-એક હિલચાલ કેદ હતી. સ્થળ પરથી મળેલા પુરાવા અને વીડિયોના આધારે ૨૯૭ વિદ્યાર્થીઓ ગેરરીતિમાં સીધા સંડોવાયેલા હોવાનું પુરવાર થયું હતું.
ભારે દંડ અને ૧ વર્ષનો વનવાસ
દોષિત ઠરેલા ૨૯૭ વિદ્યાર્થીઓ સામે સમિતિએ કડક કાર્યવાહીના ભાગરૂપે:
•    આર્થિક દંડ: પ્રત્યેક વિદ્યાર્થીને રૂપિયા ૨૫૦૦ થી ૪૦૦૦ સુધીનો રોકડ દંડ ફટકાર્યો છે.
•    પરીક્ષા પ્રતિબંધ: સૌથી મોટો ફટકો એ પડ્યો છે કે આ તમામ વિદ્યાર્થીઓ પર ૧ વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. એટલે કે, તેમનું એક આખું શૈક્ષણિક વર્ષ બરબાદ થઈ ગયું છે.
યુનિવર્સિટીનો કડક સંદેશ
યુનિવર્સિટી સત્તાધીશોએ સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક ગરિમા અને પરીક્ષાની વિશ્વસનીયતા જાળવવા માટે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવામાં આવી છે. આ કડક નિર્ણય પાછળનો હેતુ અન્ય વિદ્યાર્થીઓને ચેતવવાનો છે કે શોર્ટકટ હંમેશા જોખમી હોય છે.

(9:52 PM IST)