<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

ભરૂચમાં નકલી પોલીસનો કહેર: રોડ વચ્ચે ઊભા રાખી ધમકાવતા નિર્દોષ વાહનચાલકનું હૃદય બેસી ગયું, પત્નીની નજર સામે જ પતિનું કરુણ મોત

નંબર પ્લેટના બહાને પૈસા પડાવવા મધ્યમવર્ગીય યુવક પર દબાણ વધાર્યું; ૩ મહિનાથી ત્રાસ આપતા તત્વોના કારણે પરિવારનો માળો વિખેરાયો

ભરૂચ:: ભરૂચના રહાડપોર રોડ પર માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થા સામે સવાલ ઉભા કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પોતાને 'પોલીસ' ઓળખાવી લૂંટ ચલાવતા અસામાજિક તત્વોના ત્રાસથી ૪૩ વર્ષીય ઉર્વીશ મોદી નામના વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઉર્વીશભાઈ તેમની પત્ની સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા અને નકલી પોલીસે તેમને રોકીને મોત સુધીનો ભય બતાવ્યો હતો.
પત્નીની નજર સામે જ સર્જાયો મોતનો તાંડવ
મૃતક ઉર્વીશભાઈના પત્ની તૃપ્તિબેને ધ્રુસકે ને ધ્રુસકે રડતા જણાવ્યું કે, તેઓ પતિ સાથે એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા ત્યારે એક બાઈકસવારે તેમને આંતર્યા હતા. ત્યારબાદ પાછળથી એક ગાડીમાં બીજા ૨-૩ શખ્સો આવ્યા અને પોતાને પોલીસ તરીકે ઓળખાવી ધમકાવવાનું શરૂ કર્યું. એક્ટિવા પર નંબર પ્લેટ નથી તેવા નજીવા બહાને આ શખ્સોએ ઉર્વીશભાઈ પર એટલું માનસિક દબાણ કર્યું કે તેઓ ગભરાઈ ગયા અને ચાલુ રોડ પર જ તેમને હાર્ટ એટેક આવ્યો. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો.
૩ મહિનાથી ચાલતું હતું ઉઘાડી લૂંટનું કૌભાંડ
મૃતકના ભાઈ નિકિતેશ મોદીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, આ ટોળકી છેલ્લા ૩ મહિનાથી તેમના ભાઈને હેરાન કરી રહી હતી. જે એક્ટિવા પર કોઈ લોન બાકી નહોતી, તે લોન અને નંબર પ્લેટના બહાને આ શખ્સો વારંવાર ઉર્વીશભાઈને અટકાવી પૈસાની માંગણી કરતા હતા. પોલીસની ઓળખ આપીને આ તત્વો સામાન્ય નાગરિકોને ડરાવી રહ્યા હતા, જેના પરિણામે આજે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
ન્યાયની માંગ અને ચકચાર
આ ઘટનાને પગલે સમગ્ર ભરૂચ જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભોલાવ વિસ્તારના રહીશ અને શાંત સ્વભાવના ઉર્વીશભાઈના મોતથી પરિવાર નોંધારો બન્યો છે. પરિવારે માંગ કરી છે કે પોલીસની ઓળખ આપીને નિર્દોષોને શિકાર બનાવતી આ ગેંગ સામે હત્યાનો ગુનો નોંધી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. હાલમાં પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે અને નકલી પોલીસ બનીને ફરતા શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(8:23 PM IST)