તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Saturday, 21st February 2026
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે DEOનો માનવીય અભિગમ: રવિવારે પણ કચેરી ધમધમશે, રાઈટર મેળવવા માટે હવે નહીં ખાવો પડે ધક્કા
૨૬મીથી શરૂ થતી પરીક્ષા પૂર્વે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીનો મોટો નિર્ણય; દિવ્યાંગ અને અકસ્માતગ્રસ્ત વિદ્યાર્થીઓને ઘરે બેઠા કે સ્પેશિયલ સ્કૂલમાં જઈ મંજૂરી અપાશે

અમદાવાદ :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ આગામી ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ મહત્વની ઘડીએ કોઈ પણ વિદ્યાર્થી અનિવાર્ય સંજોગો કે શારીરિક તકલીફને કારણે પરીક્ષાથી વંચિત ન રહી જાય તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ એક પ્રશંસનીય અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. જે વિદ્યાર્થીઓને લખવા માટે 'લહિયા' (રાઈટર)ની જરૂર છે, તેમના માટે રવિવારની રજાના દિવસે પણ શિક્ષણ વિભાગની ઓફિસો ખુલ્લી રાખવા આદેશ અપાયા છે.
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા
અમદાવાદમાં દર વર્ષે અંદાજે ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓને રાઈટરની જરૂર પડતી હોય છે. સામાન્ય રીતે આ પ્રક્રિયામાં સમય જતો હોય છે, પરંતુ આ વખતે DEO કચેરીની ટીમ જાતે જ 'બ્લાઈન્ડ પીપલ એસોસિએશન' અને 'અપંગ માનવ મંડળ' જેવી સંસ્થાઓની મુલાકાત લઈ રહી છે. ત્યાં જઈને રૂબરૂમાં જ દસ્તાવેજોની ચકાસણી કરી રાઈટરની મંજૂરી આપવામાં આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓએ કચેરીના ધક્કા ન ખાવા પડે.
અકસ્માતના કિસ્સામાં ઇમરજન્સી હેલ્પલાઇન
પરીક્ષાના બરાબર આગળના દિવસે કે પરીક્ષાના દિવસે જ જો કોઈ વિદ્યાર્થીને અકસ્માત નડે, તો તેના માટે પણ ખાસ 'પ્લાન-B' તૈયાર રખાયો છે. આવા કટોકટીના સમયે વાલીઓ તાત્કાલિક ઝોનલ અધિકારીનો સંપર્ક કરી શકશે. અધિકારીઓએ ખાતરી આપી છે કે જો છેલ્લી ઘડીએ રાઈટરની જરૂર પડશે, તો વહીવટી પ્રક્રિયામાં અટકાવ્યા વગર વિદ્યાર્થીને રાઈટર પૂરો પાડવામાં આવશે અને તેમની બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડ ફ્લોર પર જ કરવામાં આવશે.
કેવી રીતે મળશે મંજૂરી?
રાઈટર મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ જરૂરી ચેકલિસ્ટ મુજબની દરખાસ્ત રજૂ કરવાની રહેશે. આ પ્રક્રિયાને વેગ આપવા માટે વર્ગ-૨ ના અધિકારીઓની ખાસ નિમણૂક કરવામાં આવી છે. જેઓ પુરાવા તપાસીને ત્વરિત મંજૂરીની મહોર મારશે. આ નિર્ણયને કારણે હજારો વાલીઓ અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
