<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

સુરતના ‘વ્હાઇટ કોલર’ ગુંડા ચિરાગ ગોટીનો વરઘોડો: જ્યારે પોલીસ આરોપીને ફેરવતી હતી ત્યારે લોકોએ ફટાકડા ફોડીને પાડી ખુશાલી

વિદ્યાર્થી નેતાથી ડ્રગ્સ માફિયા સુધીની સફર: વ્યાજખોરી, અપહરણ અને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવનારા માથાભારે શખ્સ સામે સુરત પોલીસે કસી લગામ; ભોગ બનનારા લોકો હવે ગરજ્યા

સુરત: સુરતના સિંગણપોર અને કતારગામ વિસ્તારમાં એક સમયે જેનું નામ પડતા લોકો ધ્રૂજતા હતા, તે માથાભારે આરોપી ચિરાગ ગોટીને આજે સુરત પોલીસે તેના જ ‘ગઢ’માં ખુલ્લો પાડ્યો છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા જ્યારે ચિરાગ ગોટીનો જાહેર રસ્તો પર ‘વરઘોડો’ કાઢવામાં આવ્યો, ત્યારે દશ્યો કંઈક અલગ જ હતા. સામાન્ય રીતે ગુનેગારને જોઈને લોકો ડરતા હોય છે, પરંતુ અહીં ચિરાગને પોલીસના સકંજામાં જોઈને લોકોએ ફટાકડા ફોડ્યા હતા અને તેના પર ટપલીદાવ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
સમાધાનકારથી ખંડણીખોર સુધીની સફર
ચિરાગ ગોટીની કરમકુંડળી તપાસતા જાણવા મળ્યું છે કે ૨૦ વર્ષ પહેલા તે એક કોલેજકાળનો વિદ્યાર્થી નેતા હતો. શરૂઆતમાં તે નાના-મોટા ઝઘડાઓમાં સમાધાન કરાવીને લોકોનો ભરોસો જીતતો હતો. પરંતુ, ધીમે-ધીમે તેણે આ સમાધાનને કમાણીનું સાધન બનાવી દીધું. ખાસ કરીને જમીનના વિવાદોમાં વચ્ચે પડીને તે લાખો રૂપિયા પડાવતો થયો.
મિત્રતાના નામે મિલકતો હડપવાની મોડસ ઓપરેન્ડી
ફરિયાદી રજની વાવડિયાના જણાવ્યા મુજબ, ચિરાગ લોકોની આર્થિક નબળાઈ જાણી લેતો અને પછી મદદ કરવાના બહાને વગર વ્યાજે રૂપિયા આપતો. જ્યારે રૂપિયા પાછા આપવાનો સમય આવે, ત્યારે તે અચાનક ૨૫-૩૦ માણસો લઈને ઘરે પહોંચી જતો અને ધાકધમકી આપીને ૧૦ ગણી રકમ માંગતો. જો કોઈ રૂપિયા ન આપી શકે, તો તેના મકાન કે જમીનના દસ્તાવેજો લખાવી લઈ બળજબરીથી કબજો કરી લેતો હતો.
પોતાના જ ભાઈને ડ્રગ્સના કેસમાં ફસાવ્યો
ચિરાગ ગોટીની ક્રૂરતાની હદ ત્યારે વટાવી જ્યારે તેણે પોતાના જ કૌટુંબિક ભાઈ અલ્પેશ મિયાણીને ફસાવવા માટે તેમની કારમાં ગુપ્ત રીતે ડ્રગ્સ મુકાવી દીધું હતું. અલ્પેશભાઈએ તેને ધંધામાં ભાગીદાર બનાવ્યો હતો, પરંતુ વિવાદ થતા ચિરાગે પોલીસનો ઉપયોગ કરીને અલ્પેશને જેલભેગા કરી દીધા હતા. બાદમાં તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ આખું ષડયંત્ર ચિરાગનું જ હતું.
પોલીસની કડક કાર્યવાહી અને ‘ગુજસીટોક’ની તૈયારી
ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું છે કે ચિરાગ સામે અત્યાર સુધી ૧૦ જેટલા ગંભીર ગુના નોંધાયા છે. પોલીસ હવે તેની સામે ‘ગુજસીટોક’ (GUJCTOC) હેઠળ ગુનો દાખલ કરવાની તૈયારી કરી રહી છે, જેથી તે લાંબો સમય જેલની બહાર ન આવી શકે. પોલીસને આશંકા છે કે ચિરાગ પાસે ગેરકાયદે હથિયારો પણ છે, જેની શોધખોળ ચાલી રહી છે.
સુરત પોલીસે જાહેર અપીલ કરી છે કે જો અન્ય કોઈ પણ નાગરિક આ વ્યાજખોર કે ગુંડાનો ભોગ બન્યો હોય, તો તે નિઃસંકોચ પોલીસનો સંપર્ક કરે.

(8:05 PM IST)