તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
ઇકો કારનો કચ્ચરઘાણ : અમદાવાદના એક જ પરિવારના ૪ સભ્યોના મોત : ૬ ઇજાગ્રસ્ત
મહેસાણા-ઉંઝા હાઇવે ઉપર ગોઝારો અકસ્માત : મુળ રાજસ્થાનના વતની કુમાવત પરિવાર વતનમાં લગ્ન પ્રસંગ પતાવી પરત ફરતો હતો

મહેસાણા, તા. ર૧ : ઉત્તર ગુજરાતના મહેસાણા-ઊંઝા હાઈવે પર આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતો અને મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો કુમાવત પરિવાર પોતાના વતનમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ખુશી-ખુશી ઈકો કારમાં પરત ફરી રહ્યો હતો. જોકે, નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. વહેલી સવારે જ્યારે તેમની કાર મહેસાણા-ઊંઝા હાઈવે પર ઉનાવા પાસે પહોંચી, ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પૂરપાટ ઝડપે ડિવાઈડર સાથે અથડાઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં પરિવારના મોભી રામલાલ લાખાજી કુમાવત, કૈલાશભાઈ રામલાલ કુમાવત, કોમલબેન મદનલાલ કુમાવત અને એક નિર્દોષ માસૂમ બાળક સહિત કુલ ૪ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય ૬ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ ઉનાવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે મળતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
