<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

કચ્‍છમાં કરોડોનો દારૂ ઝડપાતા પીઆઇ અને સ્‍ટાફ સસ્‍પેન્‍ડ

રાજ્‍ય પોલીસ વડાની કચ્‍છની મુલાકાત પૂર્વે ૪ કરોડનો વિક્રમી દારૂ SMC એ ઝડપ્‍યા બાદ એલસીબી પીઆઈ, પીએસઆઈની લીવ રિઝર્વમાં બદલી : દારૂના જથ્‍થા અંગે બાતમી મેળવવામાં નિષ્‍ફળતા અને ફરજમાં નિષ્‍કાળજી બદલ પોલીસકર્મીઓ સામે બોર્ડર રેન્‍જ IG ચિરાગ કોરડિયા દ્વારા કડક કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૧: આજથી બે દિવસ સરહદી કચ્‍છ જિલ્લાની મુલાકાતે આવી રહેલા રાજ્‍યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવની મુલાકાત પૂર્વે ગઈકાલે પશ્‍ચિમ કચ્‍છમાં SMC એ રેડ પાડી ભુજના વડવારા ગામ પાસેથી ૪ કરોડનો વિક્રમી દારૂનો જથ્‍થો ઝડપી પાડતા પશ્‍ચિમ કચ્‍છ પોલીસમાં હડકંપ મચી જવા પામ્‍યો છે. આ મામલે ગંભીરતા સાથે રેન્‍જ આઈજી ચિરાગ કોરડિયા દ્વારા કડક પગલાં ભરાયા છે. દારૂના જથ્‍થા અંગે બાતમી મેળવવામાં નિષ્‍ફળતા બદલ પધ્‍ધર પોલીસ સ્‍ટેશનના પીઆઇ એ.જી. પરમાર, પીએસઆઇ વાય.એસ. ઝાલા, સર્વેલન્‍સ સ્‍ટાફના એએસઆઈ મહેન્‍દ્રસિંહ જાડેજા, એએસઆઇ મહિપાલસિંહ નરેન્‍દ્રસિંહ, બીટ જમાદાર હેડ કોન્‍સ્‍ટેબલ નિલેશ પૂનમાભાઈને સસ્‍પેન્‍ડ કરાયા છે. જ્‍યારે પશ્‍ચિમ LCB PI એ.એમ. મકવાણા, પીએસઆઇ બી.એમ. જાદવની લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે. ફરજમાં નિષ્‍કાળજી બદલ પોલીસ કર્મીઓ સામે બોર્ડર રેન્‍જ IG દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે.

એક બાજુ રાજ્‍યના પોલીસ વડા ડો. રાવની સરહદી કચ્‍છ જિલ્લાની કાયદો વ્‍યવસ્‍થાની સમીક્ષા માટે મુલાકાત અને બીજી બાજુ જિલ્લા મથક ભુજની નજીક વડવારા ગામ પાસેથી સ્‍ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા ૪ કરોડનો દારૂનો વિક્રમી જથ્‍થો ઝડપવાના બનાવે કચ્‍છ સહિત સમગ્ર રાજ્‍યમાં ખળભળાટ સર્જ્‍યો છે. રાજ્‍યમાં દારૂબંધીના અમલ વચ્‍ચે કચ્‍છના કુખ્‍યાત લિસ્‍ટેડ ત્રણ બુટલેગરો દ્વારા દારૂનો આ જથ્‍થો હરિયાણાથી મંગાવાયો હોવાનું અને તેનું કટિંગ અહીં થઈ રહ્યું હોવાની ચર્ચા છે. ભુજના ગણેશનગરના નવઘણ રાજગોર, કેરા (ભુજ)ના અનોપસિંહ રાઠોડ, ગાંધીધામનો દેવો કાપડી આ જથ્‍થો આપસમાં વહેંચવાના હતા. પોલીસે ત્રણેય લિસ્‍ટેડ બુટલેગર સાથે કુલ ૨૩ આરોપી ને ફરાર જાહેર કર્યા છે. દારૂ હરિયાણાના મુસ્‍તફા ઉર્ફે રાહુલ ઉર્ફે મહાકાલ જબ્‍બારખાન પઠાણે મોકલાવ્‍યો હતો. સ્‍થાનિક પોલીસની જાણ બહાર કચ્‍છમાં અવારનવાર ની રેડમાં કરોડો રૂપિયાનો ઝડપાઈ રહેલ દારૂનો જથ્‍થો લોકોમાં ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યો છે.(૨૩.૭)

(10:57 AM IST)