તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
વલસાડમાં SMCએ દારૂ ભરેલી બે ગાડીઓ સાથે એક આરોપીને દબોચી લીધો: નવસારીનો આઝાદ લંગડો સહીત 10 વોન્ટેડ જાહેર
₹૨૩,૮૭,૮૦૦ની કિંમતની કુલ ૭,૮૫૮ વિદેશી દારૂની બોટલો જપ્ત: દારૂની હેરાફેરીમાં વપરાતી બે લક્ઝરી ગાડીઓ (કિંમત ₹૩૦ લાખ) અને મોબાઈલ ફોન પણ કબજે

વલસાડ:સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ વલસાડ જિલ્લામાં વલસાડ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવેલા સારંગપુરથી પીટા ગામ જવાના માર્ગ પર SMC ના પીએસઆઈ આર.જી. વસાવા અને તેમની ટીમે ઓચિંતો દરોડો પાડી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે કુલ ₹૫૩,૯૨,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ૧૦ જેટલા અન્ય બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો દારૂનો જથ્થો દમણની ખેમાણી ડિસ્ટિલરી, મહારાષ્ટ્રની પરનોડ રિકાર્ડ અને ઉત્તર પ્રદેશની રાડિકો ખેતાન લિમિટેડમાં બનાવવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી કુલ ૭,૮૫૮ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે, જેની બજાર કિંમત અંદાજે ₹૨૩,૮૭,૮૦૦ થાય છે. આ સાથે જ દારૂની હેરાફેરીમાં વપરાતી બે લક્ઝરી ગાડીઓ (કિંમત ₹૩૦ લાખ) અને મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે.
દરોડા દરમિયાન પોલીસે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા વિવેક અમરનાથસિંહ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. જોકે, મુખ્ય સપ્લાયર એવો નવસારીનો નામચીન બુટલેગર નસીમુદ્દીન ઉર્ફે આઝાદ લંગડો, સેલવાસનો અજાણ્યો સપ્લાયર, અને સુરતના ઉધના તેમજ ઓલપાડમાં દારૂનો જથ્થો મંગાવનાર રીસીવરો સહિત ૧૦ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. SMC એ તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વલસાડ ગ્રામ્ય પોલીસને વધુ તપાસ સોંપી છે
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
