<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાદરા ગામે અનુસૂચિત જાતિ પરિવાર સાથે જમીન પર બેસી ભોજન લઈ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

રાજ્યના સર્વોચ્ચ બંધારણીય પદે હોવા છતાં રાજ્યપાલએ સાદગીભર્યા અંદાજમાં અનિલભાઈ પરમારના ઘરે લીધું ભોજન:પરિવારના સભ્યની જેમ આત્મીયતાથી ખબર-અંતર પૂછ્યા: રાજ્યપાલની સહજતા જોઈ ગ્રામજનોમાં ખુશીનો માહોલ

જામનગર:જામનગર જિલ્લાના ભાદરા ગામની મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માત્ર વહીવટી પ્રક્રિયાઓ જ નહીં, પરંતુ માનવીય સંબંધો અને સામાજિક એકતાની સુવાસ ફેલાવી હતી. તેમણે ગામના એક સામાન્ય અનુસૂચિત જાતિના પરિવારના ઘરે મુલાકાત લઈ, તેમની સાથે જમીન પર બેસીને ભોજન ગ્રહણ કરી એક પ્રેરક દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
  ઉચ્ચ બંધારણીય પદની ગરિમા જાળવી રાખવાની સાથે સાથે રાજ્યપાલશ્રીએ પોતાની આગવી સાદગીનો પરિચય આપ્યો હતો. તેઓ ભાદરા ગામના રહીશ અનિલભાઈ જીવરાજભાઈ પરમારના નિવાસસ્થાને પધાર્યા હતા. ત્યાં તેમણે કોઈ પણ પ્રકારના પ્રોટોકોલ વગર, પરિવારના એક સભ્યની જેમ જમીન પર બેસીને તેમની સાથે ભોજન લીધું હતું. આ દરમિયાન તેમણે પરિવારના સભ્યો સાથે સહજ સંવાદ સાધીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા અને આત્મીયતાનો અહેસાસ કરાવ્યો હતો.
રાજ્યપાલના આ સાદગીપૂર્ણ અભિગમથી ગદગદ થયેલા અનિલભાઈ પરમારે હર્ષ સાથે જણાવ્યું હતું કે, "અમે સપનામાં પણ વિચાર્યું નહોતું કે રાજ્યના પ્રથમ નાગરિક અમારા જેવા સામાન્ય પરિવારના ઘરે પધારશે. તેમણે અત્યંત પ્રેમથી અમારા ઘરે બનાવેલું મેથી-બટાટાનું શાક, રોટલી અને દાળ જેવું સાદું ભોજન લીધું હતું. આ અમારા જીવનની સૌથી મોટી અને અવિસ્મરણીય પળ છે."


 

(9:10 PM IST)