<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

"માત્ર એક થપ્પડ એ ક્રૂરતા નથી!" – 23 વર્ષના કાનૂની જંગ બાદ પતિ નિર્દોષ: ગુજરાત હાઈકોર્ટે સમજાવ્યું કાયદાનું અસલી પાસું

પતિ બેન્જો વગાડવા જતો જે પત્નીને નહોતું ગમતું, પરવાનગી વગર પિયર જવા પર મારેલી થપ્પડને કોર્ટે સામાન્ય વિવાદ ગણાવ્યો : કલમ 498A અને 306 હેઠળના ગંભીર આરોપો હાઈકોર્ટે ફગાવ્યા : નીચલી અદાલતની 7 વર્ષની સજા રદ

અમદાવાદ:  વૈવાહિક વિવાદો અને આત્મહત્યા માટે ઉશ્કેરણીના કેસોમાં ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. જસ્ટિસ ગીતા ગોપીની બેન્ચે 23 વર્ષ જૂના એક કેસમાં ચુકાદો આપતા ઠરાવ્યું કે, પત્ની તેના પિયર જઈને રાત રોકાઈ હોય અને પરત આવ્યા બાદ પતિ તેને જાણ કર્યા વિના જવા બદલ માત્ર એક થપ્પડ મારે, તો તેને ભારતીય દંડ સંહિતાની કલમ 498A (ક્રૂરતા) હેઠળ ગુનો ગણી શકાય નહીં. કોર્ટે અવલોકન કર્યું કે દરેક નાનો ઝઘડો કે આવેશમાં લેવાયેલું પગલું એ પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરવાના ઇરાદા સાથે કરવામાં આવ્યું છે તેમ માની લેવું કાયદેસર રીતે ખોટું છે.

તપાસ દરમિયાન સામે આવેલી હકીકતો કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. આ કેસમાં પતિ રાત્રિના સમયે વધારાની આવક માટે બેન્જો વગાડવા જતો હતો, જે વાત પત્નીને પસંદ નહોતી. આ સામાન્ય લાગતી વાત તેમના લગ્નજીવનમાં મોટા કલેશનું કારણ બની હતી. હાઈકોર્ટે નોંધ્યું કે આત્મહત્યા માટે ઉશ્કેરણી (કલમ 306) સાબિત કરવા માટે આરોપીનો 'ગુનાહિત ઇરાદો' (Mens Rea) હોવો અનિવાર્ય છે. પત્નીના માતા-પિતા દ્વારા કરવામાં આવેલા સતત મારપીટના આરોપોને કોર્ટે પુરાવાઓના અભાવે ફગાવી દીધા હતા, કારણ કે 23 વર્ષમાં કોઈ પણ તબીબી પુરાવા કે પંચાયતની ફરિયાદ રેકોર્ડ પર મળી આવી નહોતી.

આ કેસમાં કાયદાકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે હાઈકોર્ટે 2003માં નીચલી અદાલત દ્વારા પતિને ફટકારવામાં આવેલી 7 વર્ષની જેલની સજાને રદ કરી દીધી. કોર્ટે ટિપ્પણી કરી કે સામાન્ય વૈવાહિક ઝઘડાઓ અને અણબનાવને સીધો જ ગંભીર ગુનાહિત સ્વરૂપ આપી દેવું એ ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે કાયદો માત્ર ભાવનાઓ પર નહીં, પણ નક્કર પુરાવા અને ઘટના પાછળના સાચા ઇરાદા પર કામ કરે છે. 23 વર્ષથી આ કલંક અને કાનૂની લડાઈ લડી રહેલા પતિને અંતે ન્યાય મળ્યો છે, જે સમાજમાં લગ્નજીવનના નાના-મોટા વિવાદોને જોવાની નવી દૃષ્ટિ પૂરી પાડે છે.

(7:12 PM IST)