તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 20th February 2026
વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના મંત્રને સાર્થક કરવા રાજ્યના સુગ્રથિત વિકાસ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર: આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ
ગુજરાતને આજે વૈશ્ચિક ફલક ઉપર જે ઓળખ મળી છે તે રાજ્યની પ્રગતિશીલ વિચારસરણી અને વિકાસને રાષ્ટ્રીય આંદોલન બનાવનાર વડાપ્રધાન મોદીના લોકપ્રિય નેતૃત્વનું પ્રતિબિંબ: યુવા, મહિલા, ખેડૂત અને ગરીબના વિકાસની ચિંતા કરીને વ્યથા નહિ પણ વ્યવસ્થા સાથે આગળ વધતું ગુજરાત :વિધાનસભામાં રાજ્યપાલશ્રીના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતાં આદિજાતિ વિકાસ મંત્રી

ગાંધીનગર :વિધાનસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના મંત્રને સાર્થક કરવા તેમજ ગુજરાતની પ્રજાનો સર્વ સમાવેશી, સર્વસ્પર્શી અને સર્વાંગી વિકાસ કરવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતને આજે વૈશ્ચિક ફલક ઉપર જે ઓળખ મળી છે તે ગુજરાતની પ્રગતિશીલ વિચારસરણી અને વિકાસને રાષ્ટ્રીય આંદોલન બનાવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય નેતૃત્વનું પ્રતિબિંબ છે. ગુજરાત માટે વિકાસની પરિભાષા એટલે એવો વિકાસ કે જેમાં "સર્વજન હિતાય સર્વજન સુખાય"ની ભાવના અને આ ભાવના સાથે જોડાયેલી વિકાસયાત્રામાં યુવા, મહિલા, ખેડૂત અને ગરીબના વિકાસની ચિંતા કરીને, વ્યથા નહિ પણ વ્યવસ્થા સાથે આ ગુજરાત ખૂબ આગળ વધી રહ્યું છે.
રત્નાકર ઘૂઘવતો, ગૂંજતો ડમરૂ નાદ...શત દશકે અખંડ, સોમૈયાનું સ્વાભિમાન... પંક્તિ થકી મંત્રીએ કહ્યું હતું કે, માત્ર ગુજરાતની જ નહીં, સમગ્ર ભારત વર્ષની આન, બાન, શાન અને સ્વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ. વિનાશથી વિકાસની સફરનું સાક્ષી એટલે સોમનાથ. ૧૨ જ્યોતિર્લિંગમાંના પ્રથમ એવા સોમનાથ ઉપર એક કરતાં વધુ વખત થયેલા આક્રમણો બાદ પણ મંદિર અડીખમ ઉભું રહ્યું હતું. આ મંદિરને હજાર વર્ષ પરિપૂર્ણ થયાના અવસરને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતે સ્વાભિમાન પર્વ તરીકે ઉજવ્યું છે. વર્ષ ૧૦૨૬થી ૨૦૨૬ સુધી સંઘર્ષ, શૌર્ય, વીરતા, સ્વાભિમાન અને અતૂટ શ્રધ્ધાના એક હજાર વર્ષ સાથે સ્વાભિમાન પર્વનો સંદેશ નવી પેઢીમાં ભારતની શાશ્વત સનાતન સંસ્કૃતિની ગાથાને આત્મસાત કરવાની પ્રેરણા આપનારો ઉત્સવ બની રહ્યો છે.
આ વર્ષે સમગ્ર દેશવાસીઓ અને ખાસ કરીને ગુજરાત માટે ગૌરવવંતુ રહ્યું છે, તેમ જણાવતા મંત્રીએ કહ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ તથા ધરતીઆબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીનું આ વર્ષ એક ઐતિહાસિક વર્ષ બની રહ્યું છે. રાષ્ટ્રીય ગૌરવને ઉજાગર કરવાનું આ પાવન પર્વ છે. આ વર્ષ રાષ્ટ્રગાન વંદે માતરમ્ તથા સરદાર સાહેબની રાષ્ટ્રીય વિચારધારાને ઉજાગર કરવાનું પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી પટેલે કહ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૧થી ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ ૧૫ નવેમ્બરને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે મનાવવાની જાહેરાત કરી અને સમગ્ર દેશમાં ૨૦૨૫નું વર્ષ ‘જનજાતિય ગૌરવ વર્ષ’ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના ભાગરૂપે માં અંબાજીની પવિત્ર ધરતીથી એકતાનગર સુધી ૭૧૩ કિ.મી. અને વલસાડના ઉમરગામના કલગામ હનુમાનજી મંદિરથી એકતાનગર સુધી ૬૬૫ કિ.મી. મળી કુલ ૧૩૭૮ કિ.મી.ના આદિજાતિ વિસ્તારને આવરી લેતી ‘‘જનજાતિય ગૌરવ યાત્રા’’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં નાગરિકોએ અનેક સ્થળો ઉપર ભાગ લઇ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હર્ષોલ્લાસ સાથે આ યાત્રાના વધામણા કર્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે, બન્ને મહાન વિભૂતિ સરદાર વલ્લભભાઇ પટેલ અને ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ અને જનજાતિ ગૌરવ યાત્રાનું સમાપન એકતાનગર ખાતે સંપન્ન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનની આગેવાનીમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજની કુળદેવી માં દેવમોગરા અને પાંડોરી માતાજીની પવિત્ર ભૂમિ ઉપર તા. ૧૫મી નવેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરી ભગવાન બિરસા મુંડાજીને અને સમગ્ર આદિવાસી સમાજને સન્માન આપવાનું કામ કરવામાં આવ્યું છે.
ખેડૂતોના ઉત્કર્ષ વિશે મંત્રીએ કહ્યું હતું કે, ભૂતકાળમાં ખેડૂતો માટેની કોઇપણ લોન યોજનામાં ૧૨ થી ૧૮ ટકાનું વ્યાજ લેવાતું હતું. ક્યારેક કમનસીબે વર્ષ નબળું પડે અને ખેડૂત દેવાદાર બને તો મુદ્દલ કરતા વ્યાજ બમણું થઇ જતું હતું એવા અનેક દાખલા છે. જ્યારે આજે રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટકાએ ૩ લાખ સુધીની ખેડૂતોને લોન આપવામાં આવે છે.
તેમણે કહ્યું કે, યશસ્વી વડાપ્રધાન મોદીએ દેશની ધુરા સંભાળ્યા પછી ખેડૂતોના પડખે ઉભા રહી તેમની આવક બમણી કરવાના શુભ હેતુ સાથે ‘પ્રધાનમંત્રી કિસાનનીધિ યોજના’ શરૂ કરી હતી. જે અંતર્ગત આજદિન સુધી ૧ થી ૨૧ હપ્તા થકી આશરે રૂ. ૨૨ હજાર કરોડની સહાય ૫૯ લાખથી વધુ ખેડૂત કુટુંબોને તેમના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવી છે.
રાજ્યમાં અતિવર્ષાના કપરા સમયમાં સરકાર ખેડુતોના અડગ સાથીદાર તરીકે ઉભી રહી છે. કમોસમી વરસાદ સામે ચાલુ વર્ષે ૩૩ લાખથી વધારે ખેડુતોને રૂ. ૯,૬૧૦ કરોડની સહાય સીધી અસરગ્રસ્ત ખેડુતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આ કામગીરી રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા અને પ્રતિબધ્ધતા દર્શાવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સિંચાઇ યોજનાઓ વિશે માહિતી આપતા મંત્રીએ કહ્યું હતું કે, કડાણા, પાનમ, કરજણ, ઉકાઇ જળાશય તેમજ નર્મદા નહેર આધારિત કુલ ૧૧ ઉદવહન સિંચાઇ યોજનાઓ દ્વારા આદિવાસી બહુમતી ધરાવતા દાહોદ, પંચમહાલ, મહિસાગર, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લાના ૭૬૯ ગામોના આશરે ૯૨ હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઇનો લાભ આપવામાં આવી રહ્યો છે.
શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારના પ્રયાસો વિશે વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ શાળાઓમાં ૫૪ શાળાઓ અને ૨ સૈનિક શાળાઓ સાથે કુલ ૧૫,૪૧૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓમાં ૪૩ શાળાઓમાં ૧૫,૫૨૦ કન્યાઓને ધોરણ ૬થી ૧૨ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે, જેનો ઉદ્દેશ કન્યાઓના ડ્રોપઆઉટને અટકાવવાનો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
