તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
અરવલ્લીમાં બટાકાના ભાવમાં મોટો કડાકો: ખેતરોમાં કાપણી શરૂ થતા જ ભાવ તળિયે બેઠા, જગતનો તાત દેવાના ડુંગર નીચે દબાયો
ગત વર્ષ કરતા મણે ₹103 ઓછા મળતા ખેડૂતોમાં રોષ; મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ પણ ન નીકળતા જગતના તાતની હાલત કફોડી

મોડાસા: તા.૨૦: અરવલ્લી જિલ્લો જે સમગ્ર રાજ્યમાં બટાકાના હબ તરીકે ઓળખાય છે, ત્યાં હાલમાં શિયાળુ પાક ઉતારવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ કમનસીબી એ છે કે ખેતરોમાં બટાકાનો પાક લહેરાયો છે, પણ ખેડૂતોના મોઢા પર સ્મિત ગાયબ છે. ગત વર્ષની સરખામણીએ બટાકાના ભાવમાં અધધ ઘટાડો થતા ખેડૂતોને આર્થિક પાયમાલીનો ડર સતાવી રહ્યો છે.
ભાવમાં મોટો ઘટાડો: ગણિત સમજો
ખેડૂતો દ્વારા કરવામાં આવેલ આર્થિક ગણતરી મુજબ ચાલુ વર્ષે ભાવમાં મોટો ખાડો પડ્યો છે:
• ગત વર્ષનો ભાવ: ₹૨૮૩ (પ્રતિ ૨૦ કિલો)
• ચાલુ વર્ષનો ભાવ: ₹૧૮૦ (પ્રતિ ૨૦ કિલો)
• ચોખ્ખું નુકસાન: પ્રતિ મણ દીઠ ₹૧૦૩ નો સીધો ઘટાડો.
ખર્ચ પણ નીકળવો મુશ્કેલ
અરવલ્લીના ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે ખેતી ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. બિયારણના ભાવ આસમાને હોવા છતાં ખેડૂતોએ દેવું કરીને પણ વાવેતર કર્યું હતું. જેની સામે:
1. ખાતર અને ખેડ: ખાતરના ભાવમાં વધારો અને ટ્રેક્ટરના ડીઝલના ભાવ ખેડૂતોને દઝાડી રહ્યા છે.
2. મજૂરી ખર્ચ: બટાકા કાઢવા માટે મજૂરીના ભાવ પણ વધ્યા છે, જેની સામે ૧૮૦ રૂપિયામાં બટાકા વેચવા એ ખેડૂતો માટે નુકસાનનો સોદો સાબિત થઈ રહ્યો છે.
3. દેવું: સારા વળતરની આશાએ કરેલું રોકાણ હવે ખેડૂતો માટે બોજ બની રહ્યું છે.
સરકાર પાસે મીટ
અરવલ્લી જિલ્લામાં ઘઉં બાદ બટાકાનું સૌથી વધુ વાવેતર થાય છે. અત્યારે ખેતરોમાં મજૂરો દ્વારા બટાકા કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે નીચા ભાવને કારણે ખેડૂતોમાં ચિંતિત છે. ખેડૂતોની હવે એક જ માગ છે કે સરકાર આ બાબતે મધ્યસ્થી કરે અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવે અથવા કોઈ વિશેષ સહાય આપવામાં આવે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
