News of Wednesday, 18th February 2026
દાહોદના માંડવાવ પાસે અકસ્માત :સુરતથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસ પલટી ગઈ :બાળકો સહિત 8 મુસાફરો ઘાયલ
દાહોદના માંડવાવ ગામ પાસે બસ ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતા જ બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ અને જોરદાર ધડાકા સાથે પલટી મારી ગઈ

દાહોદ નજીક આવેલા માંડવાવ ગામ પાસે આજે સવારના સમયે એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. સુરતથી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં બાળકો સહિત કુલ 8 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બસ સુરતથી મુસાફરોને લઈને મધ્યપ્રદેશ જઈ રહી હતી. જ્યારે બસ દાહોદના માંડવાવ ગામ પાસે પહોંચી ત્યારે ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું. નિયંત્રણ ગુમાવતા જ બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને જોરદાર ધડાકા સાથે પલટી મારી ગઈ હતી. અકસ્માત થતાં જ બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.
અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ માનવતા દાખવીને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સદભાગ્યે, આટલા મોટા અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. હોસ્પિટલમાં ખસેડાયેલા 8 મુસાફરોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, જેમને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી છે. હાલ હોસ્પિટલના તબીબો દ્વારા તમામની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ દાહોદ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
