<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ક્રિપ્ટો કરન્સીના નામે કરોડોનું કૌભાંડ આચરી ૨ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી સુજીત દેવને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, જોઇન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણની ટીમને મુંબઈના દહીસરમાં ૧૦૦થી વધુ રોકાણકારોને ૪ ગણા નફાની લાલચ આપી પલાયન થયેલા ઠગને પકડવામાં મળી મોટી સફળતા : MPID એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં મુંબઈ પોલીસને અપાઈ જાણ

રાજકોટ, તા. 17 : મુંબઈના દહીસર વિસ્તારમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ૧૦૦થી વધુ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપી સુજીત શંકરરાવ દેવને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી દબોચી લીધો છે. સોફ્ટવેર ડેવલપમેન્ટના ધંધા સાથે જોડાયેલો આ આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે અમદાવાદના નરોડા વિસ્તારમાં છુપાઈને રહેતો હતો.
પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં સફળ ઓપરેશન
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના સીધા માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આ વોન્ટેડ આરોપીને એરપોર્ટ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી સુજીત શંકરરાવ દેવ (ઉંમર ૪૭ વર્ષ), જે મૂળ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કોરેગાંવ તાલુકાના ત્રિપુટી ગામનો વતની છે, તે નરોડામાં શ્યામ કુટીર-૧ ખાતે નામ બદલીને રહેતો હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.
રોકાણકારોને ૪ ગણા નફાની લાલચ આપી હતી
બનાવની વિગત મુજબ, પકડાયેલા આરોપીએ વર્ષ ૨૦૨૧માં મહારાષ્ટ્રના દહીસર ખાતે અન્ય ભાગીદારો સાથે મળીને "ક્રિપ્ટો કરન્સી ઇન્વેસ્ટમેન્ટ"ના નામે એક આલીશાન ઓફિસ શરૂ કરી હતી. તેણે આસપાસના વિસ્તારના લોકોને ક્રિપ્ટો કરન્સીમાં નાણાં રોકવાથી ટૂંકા સમયમાં ચાર ગણો નફો મળશે તેવી લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. આ લાલચમાં આવીને ૧૦૦થી વધુ લોકોએ પોતાના કરોડો રૂપિયા રોક્યા હતા, જે લઈને આરોપી સુજીત દેવ રાતોરાત પલાયન થઈ ગયો હતો.
મુંબઈ પોલીસમાં નોંધાયો હતો ગુનો
આ કૌભાંડ સંદર્ભે મુંબઈના દહીસર પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર ૧૩૦૫/૨૪ મુજબ IPC કલમ ૪૦૬, ૪૨૦, ૩૪, ૧૨૦(બી) અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (MPID) એક્ટની કલમ ૩ અને ૪ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો. છેલ્લા બે વર્ષથી મુંબઈ પોલીસ આ આરોપીને શોધી રહી હતી, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડી મુંબઈ પોલીસને મોટી રાહત અપાવી છે. હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને મુંબઈ પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી છે.

(3:11 PM IST)