તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકશાહીનો વ્યાપ વધ્યો: રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ૩૩ હજાર જ્યારે ભાવનગરમાં ૩૦ હજાર નવા મતદારો ઉમેરાયા, કુલ મતદારોનો આંકડો નવી ઊંચાઈએ
ચૂંટણી પંચની સઘન ઝુંબેશનું પરિણામ: સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૧ હજારથી વધુ બોગસ કે સ્થળાંતરિત નામો રદ થતાં મતદારોની સંખ્યામાં ૯૯નો ઘટાડો નોંધાયો : સરહદી કચ્છ જિલ્લામાં ૧૯ હજાર અને જામનગરમાં ૨૧ હજાર નવા મતદારોનો ઉમેરો: પોરબંદર અને બોટાદમાં મતદારો વધવાની ટકાવારી સૌથી ઊંચી રહી

રાજકોટ: ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન - એસઆઈઆર) ઝુંબેશ પૂર્ણ થતાં આજે આખરી મતદાર યાદી-૨૦૨૬ પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્યભરના આંકડાઓમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં રાજકીય જાગૃતિ અને વહીવટી તંત્રની કામગીરીનું મિશ્ર અને રસપ્રદ ચિત્ર ઉપસી આવ્યું છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ જિલ્લામાં મતદારોની સંખ્યામાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે ઝાલાવાડ પંથકના સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારોની સંખ્યા વધવાને બદલે ઘટી હોવાનું આશ્ચર્યજનક તથ્ય સામે આવ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનમાં લાખોની સંખ્યામાં જૂના નામો કમી થયા છે અને નવા યુવા મતદારો ઉમેરાયા છે. ચૂંટણી પંચે આજે જાહેર કરેલી વિગતો અનુસાર, તમામ જિલ્લાઓમાં કલેકટર તંત્ર અને બૂથ લેવલ ઓફિસરોની મહેનત રંગ લાવી છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ અને યાદી મુજબ, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મતદારો ધરાવતા રાજકોટ જિલ્લામાં ફરી એકવાર લોકશાહીનો ધબકાર તેજ બન્યો છે. રાજકોટ જિલ્લામાં ડ્રાફ્ટ રોલ વખતે ૨૦,૫૫,૩૫૭ મતદારો હતા. આ સુધારણા કાર્યક્રમ દરમિયાન ૫૩,૫૧૭ જેટલી મોટી સંખ્યામાં નવા નામો ઉમેરવામાં આવ્યા હતા, જેની સામે અવસાન, સ્થળાંતર કે અન્ય કારણોસર ૨૦,૦૯૬ નામો કમી કરવામાં આવ્યા છે. આમ, ૩૩,૪૨૧ ના જંગી ચોખ્ખા વધારા (નેટ એડિશન) સાથે રાજકોટ જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા ૨૦,૮૮,૭૭૯ પર પહોંચી છે. રાજકોટમાં મતદારો વધવાનો દર ૧.૬૩ ટકા રહ્યો છે જે દર્શાવે છે કે શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધી છે.
બીજી તરફ, સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા સુરેન્દ્રનગર જિલ્લામાં એક અનોખી ઘટના બની છે. સામાન્ય રીતે દર વર્ષે મતદારોની સંખ્યામાં વધારો થતો હોય છે, પરંતુ સુરેન્દ્રનગરમાં આ વખતે 'નેગેટિવ ગ્રોથ' એટલે કે ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં ૨૧,૩૧૬ નવા નામ ઉમેરાયા હતા, પરંતુ તંત્રની કડક ચકાસણી અને ડોર ટુ ડોર સર્વેમાં ૨૧,૪૧૫ જેટલા નામો રદ કરવામાં આવ્યા છે. પરિણામે, જિલ્લામાં ૯૯ મતદારો ઘટ્યા છે અને કુલ આંકડો ૧૩,૪૪,૮૬૦ થયો છે. ટકાવારીની દ્રષ્ટિએ અહીં -૦.૦૧ ટકાનો ફેરફાર થયો છે, જે દર્શાવે છે કે બોગસ અને ડુપ્લીકેટ મતો દૂર કરવામાં તંત્રને મોટી સફળતા મળી છે.
ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છની વાત કરીએ તો, સરહદી વિસ્તારમાં પણ મતદારોનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે. કચ્છમાં ૩૨,૭૯૫ નવા ફોર્મ મંજૂર થયા છે અને ૧૩,૪૧૯ નામ કમી થયા છે. જેના કારણે ૧૯,૩૭૬ ના ચોખ્ખા વધારા સાથે કચ્છના કુલ મતદારોની સંખ્યા ૧૪,૯૫,૭૮૫ થઈ છે. કચ્છમાં ૧.૩૧ ટકાના દરે મતદારો વધ્યા છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારો અને વિકસતા શહેરી વિસ્તારોમાં નવા મતદારોનું પ્રમાણ સારું જોવા મળ્યું છે.
ભાવનગર જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. અહીં ૪૦,૦૭૪ જેટલી મોટી સંખ્યામાં નવા મતદારો ઉમેરાયા છે, જે સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી બીજા ક્રમે છે. સામે ૧૦,૧૧૦ નામ રદ થતાં ૨૯,૯૬૪ નો ચોખ્ખા વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં કુલ મતદારો હવે ૧૬,૬૭,૯૪૫ થયા છે. ભાવનગરમાં ૧.૮૩ ટકાનો ગ્રોથ રેટ નોંધાયો છે. આ ઉપરાંત નજીકના બોટાદ જેવા નાના જિલ્લામાં પણ ૧.૯૮ ટકાના ઊંચા વૃદ્ધિ દર સાથે ૧૦,૧૩૬ મતદારો વધ્યા છે. બોટાદમાં ૧૨,૭૬૩ નામ ઉમેરાયા અને ૨,૬૨૭ કમી થતાં કુલ સંખ્યા ૫,૨૧,૯૭૭ સુધી પહોંચી છે.
હાલાર પંથકમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જામનગર જિલ્લામાં ૨.૦૧ ટકાનો ઊંચો ગ્રોથ રેટ નોંધાયો છે, જે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પૈકીનો એક છે. અહીં ૨૮,૨૦૧ નવા નામ સામે માત્ર ૬,૭૮૯ નામ કમી થતાં ૨૧,૪૧૨ મતદારો વધ્યા છે અને કુલ આંકડો ૧૦,૮૫,૦૩૨ પર પહોંચ્યો છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં ૪,૪૦૬ ના સાધારણ વધારા સાથે કુલ મતદારો ૫,૪૨,૦૫૩ થયા છે. દ્વારકામાં ૮,૮૧૮ નામ ઉમેરાયા હતા અને ૪,૪૧૨ નામ રદ થયા છે.
સોરઠ પ્રદેશમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાઓમાં પણ સુધારણા ઝુંબેશ વેગીલી રહી હતી. જૂનાગઢમાં ૨૯,૮૨૨ નવા નામ ઉમેરાયા અને ૮,૮૦૮ રદ થતાં ૨૧,૦૧૪ નો વધારો થયો છે, જેથી જિલ્લાના કુલ મતદારો ૧૧,૭૦,૪૦૯ થયા છે. ગીર સોમનાથમાં ૧૭,૨૪૫ નામ ઉમેરાયા અને ૫,૦૩૫ રદ થતાં ૧૨,૨૧૦ ના વધારા સાથે કુલ મતદારો ૯,૫૪,૫૨૭ થયા છે. પોરબંદર જિલ્લામાં ૨.૧૨ ટકાનો સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઊંચો ગ્રોથ રેટ નોંધાયો છે, જ્યાં ૧૧,૪૩૨ નવા ઉમેરાયા અને ૨,૨૧૪ રદ થતાં ૯,૨૧૮ મતદારો વધતા કુલ સંખ્યા ૪,૪૪,૧૬૧ થઈ છે.
અમરેલી જિલ્લામાં ૨૦,૭૭૮ નવા નામ અને ૬,૩૯૪ રદ નામ સાથે ૧૪,૩૮૪ નો વધારો નોંધાયો છે, જેથી કુલ મતદારો ૧૧,૪૭,૨૦૦ થયા છે. સિરામિક હબ મોરબીમાં ૧૮,૮૫૭ નવા નામ ઉમેરાયા હતા, પરંતુ ૧૩,૫૮૮ જેટલા નામ કમી પણ થયા છે, જેથી ત્યાં ૫,૨૬૯ નો સાધારણ વધારો થયો છે અને કુલ મતદારો ૭,૮૭,૧૩૩ થયા છે.
આમ, સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓની આખરી સ્થિતિ જોઈએ તો દરેક જિલ્લામાં ચિત્ર સ્પષ્ટ થાય છે. કચ્છમાં ૧૪.૯૫ લાખ, સુરેન્દ્રનગરમાં ૧૩.૪૪ લાખ, મોરબીમાં ૭.૮૭ લાખ, રાજકોટમાં ૨૦.૮૮ લાખ, જામનગરમાં ૧૦.૮૫ લાખ, દેવભૂમિ દ્વારકામાં ૫.૪૨ લાખ, પોરબંદરમાં ૪.૪૪ લાખ, જૂનાગઢમાં ૧૧.૭૦ લાખ, ગીર સોમનાથમાં ૯.૫૪ લાખ, અમરેલીમાં ૧૧.૪૭ લાખ, ભાવનગરમાં ૧૬.૬૭ લાખ અને બોટાદમાં ૫.૨૧ લાખ મતદારો નોંધાયા છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે આગામી સમયમાં જ્યારે પણ ચૂંટણી યોજાશે ત્યારે આ નવા ઉમેરાયેલા લાખો યુવા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બૂથ લેવલ ઓફિસરો (બીએલઓ)એ ઘરે-ઘરે જઈને કરેલી ખરાઈ અત્યંત મહત્વની સાબિત થઈ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં લાખોની સંખ્યામાં એવા નામો કમી કરવામાં આવ્યા છે જેઓ કાયમી સ્થળાંતર કરી ગયા હોય, અવસાન પામ્યા હોય અથવા એક કરતા વધુ જગ્યાએ નોંધાયેલા હોય. ચૂંટણી પંચની આ સઘન કામગીરીને કારણે મતદાર યાદી વધુ ક્ષતિરહિત અને પારદર્શક બની છે.
૧ જાન્યુઆરી ૨૦૨૬ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર હજારો યુવાનો આ યાદીમાં પ્રથમ વખત જોડાયા છે. જોકે, ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જે નાગરિકોનું નામ હજુ પણ યાદીમાં ન હોય, તેઓ હવે પછી પણ નિરંતર સુધારણા પ્રક્રિયા અંતર્ગત ફોર્મ નંબર ૬ ભરીને નામ નોંધાવી શકશે.
મતદારો વોટર હેલ્પલાઇન એપ અથવા ચૂંટણી પંચની વેબસાઇટ પર જઈને પોતાનું નામ અને વિગતો ચકાસી શકે છે. આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થતાં હવે રાજકીય પક્ષો પણ આ નવા સમીકરણોના આધારે પોતાની આગામી રણનીતિ ઘડવામાં જોતરાશે.
આ વિશેષ સુધારણા કાર્યક્રમમાં થયેલી કામગીરીને પગલે મતદાર યાદીની શુદ્ધતામાં વધારો થયો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર અને મોરબી જેવા જિલ્લાઓમાં જ્યાં મોટી સંખ્યામાં નામો કમી થયા છે, તે દર્શાવે છે કે યાદીમાંથી ડુપ્લીકેટ અને બોગસ નામો દૂર કરવા માટે તંત્રએ સરાહનીય કામગીરી કરી છે.
તો બીજી તરફ રાજકોટ, ભાવનગર અને સુરત જેવા શહેરી વિસ્તારોમાં સતત વધી રહેલી વસ્તી અને સ્થળાંતર કરીને આવતા લોકોની નોંધણી પણ યોગ્ય રીતે થઈ રહી હોવાનું આ આંકડાઓ પરથી ફલિત થાય છે.
આમ, ૨૦૨૬ની આખરી મતદાર યાદીમાં સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાનો લોકશાહી પ્રત્યેનો વિશ્વાસ અને તંત્રની પારદર્શક કામગીરીનું પ્રતિબિંબ ઝીલાયું છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
