<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

કોંગ્રેસ ધારાસભ્‍ય ઈમરાન ખેડાવાલાને હૃદયની નળીમાં ૯૦ ટકા બ્‍લોક

ગત રાત્રે ઘરે છાતીમાં દુઃખાવો ઉપડતા દાખલ કરાયા : નેતાઓએ ખબર અંતર પૂછયા

અમદાવાદઃ શહેરની ખાડિયા-જમાલપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્‍ય ઇમરાન ખેડાવાલાને હૃદય સંબંધી તકલીફ થતાં શહેરની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. ગત રાત્રે અચાનક છાતીમાં દુખાવો થતા તેમને તાત્‍કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં તપાસ દરમિયાન તેમના હૃદયની એક નળીમાં ૯૦ ટકા જેટલું ગંભીર બ્‍લોકેજ હોવાનું રિપોર્ટમાં સામે આવ્‍યું છે.

ઇમરાન ખેડાવાલાને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હોવાની માહિતી મળતા કોંગ્રેસનાં આગેવાનો પણ હોસ્‍પિટલ ખાતે એકત્ર થયા હતા. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુંહોવાથી મોટા ભાગનાં ધારાસભ્‍યો ગાંધીનગરમાં હાજર છે. તેવામા કોંગ્રેસી ધારાસભ્‍યો પણ ઇમરાન ખેડાવાલાના ખબરઅંતર પુછવા માટે હોસ્‍પિટલ ખાતે પહોંચ્‍યા હતા.

ઇમરાન ખેડાવાલાના બીમારીના સમાચાર મળતા જ તેમના મતવિસ્‍તારના લોકો અને કોંગ્રેસના કાર્યકરોમાં ચિંતા ફેલાઈ છે. અનેક રાજકીય નેતાઓએ હોસ્‍પિટલની મુલાકાત લીધી છે અથવા ટેલિફોનિક સંપર્ક કરીને તેમના ખબર-અંતર પૂછયા છે. હોસ્‍પિટલ પ્રશાસન મુજબ, તેમને થોડા દિવસો આરામ કરવાની અને ખોરાકમાં કડક પરેજી રાખવાની સલાહ આપવામાં આવી છે

(2:52 PM IST)