તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
૪.૪૦ કરોડ મતદારો : ૫.૬૦ લાખનો વધારો : ૩.૯૫ લાખ નામ કમી
ગુજરાતની ફાઇનલ મતદાર યાદી જાહેર : સૌથી વધુ મતદારો અમદાવાદ જીલ્લામાં : : સૌથી વધુ સુરતમાં ૮૫૭૩૪ નામ રદ થયા : અમદાવાદમાં સૌથી વધુ ૧ લાખ નવા મતદારો ઉમેરાયા : ૧૮ વર્ષ પૂરા કરનારા યુવાનો માટે હજુ નામ નોંધાવવાની તક

(અશ્વીન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.૧૭: ભારતના ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (એસઆઈઆર) ઝુંબેશ સત્તાવાર રીતે સંપન્ન થઈ છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લા દ્વારા આજે ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. લોકશાહીના આ મહાપર્વ સમાન કામગીરીમાં રાજ્યભરના વહીવટી તંત્રે રાત-દિવસ એક કરીને કામગીરી બજાવી હતી, જેના પરિણામે ગુજરાતમાં કુલ મતદારોનો આંકડો ૪,૪૦,૩૦,૭૨૫ (ચાર કરોડ ચાળીસ લાખ ત્રીસ હજાર સાતસો પચીસ) પર પહોંચ્યો છે. નોંધનીય છે કે મુસદ્દા મતદાર યાદીની સરખામણીએ આખરી યાદીમાં ૫.૬૦ લાખ જેટલા મતદારોનો ચોખ્ખો વધારો નોંધાયો છે.
રાજ્યમાં ગત ૨૭ ઓક્ટોબર ૨૦૨૫થી શરૂ થયેલી આ વિશેષ ઝુંબેશ અંતર્ગત ૫૦,૯૬૩ જેટલા બૂથ લેવલ ઓફિસરો (બીએલઓ) દ્વારા ઘરે-ઘરે ફરીને મતદારોની ખરાઈ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન અવસાન પામેલા, કાયમી સ્થળાંતર કરી ગયેલા અથવા લગ્ન કરીને અન્યત્ર ગયેલા મતદારોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આંકડાકીય વિગતો મુજબ, મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થઈ ત્યારે રાજ્યમાં કુલ ૪,૩૪,૭૦,૧૦૯ મતદારો હતા. સુધારણા કાર્યક્રમ દરમિયાન નવા ૯,૫૬,૧૨૧ નામો ઉમેરવામાં આવ્યા હતા, જ્યારે ૩,૯૫,૫૫૫ નામો રદ કરવામાં આવ્યા હતા. આમ, સરવાળે ૫,૬૦,૫૬૬ મતદારોના નેટ વધારા સાથે આખરી યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં સરેરાશ ૧.૨૯ ટકાનો મતદાર વળદ્ધિ દર જોવા મળ્યો છે.
જિલ્લાવાર પરિસ્થિતિનું વિહંગાવલોકન કરીએ તો, રાજ્યના આર્થિક પાટનગર અને સૌથી મોટા શહેર અમદાવાદમાં મતદારોની સંખ્યામાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૧,૫૩,૨૩૪ નવા નામો ઉમેરાયા છે, જેની સામે ૪૭,૬૨૭ નામો કમી થતાં, કુલ ૧,૦૫,૬૦૭ નો જંગી વધારો નોંધાયો છે. અમદાવાદમાં મતદારોની કુલ સંખ્યા હવે ૪૯,૧૨,૫૪૮ પર પહોંચી છે, જે રાજ્યમાં સૌથી વધુ છે અને અહીં ૨.૨૦ ટકાનો સૌથી ઊંચો ગ્રોથ રેટ નોંધાયો છે.
બીજી તરફ, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં એક રસપ્રદ ચિત્ર ઉપસી આવ્યું છે. સુરેન્દ્રનગર એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં મતદારોની સંખ્યામાં વધારો થવાને બદલે ઘટાડો નોંધાયો છે. અહીં ૨૧,૩૧૬ નવા નામ ઉમેરાયા હતા, પરંતુ તેની સામે ૨૧,૪૧૫ નામ કમી કરવામાં આવતા, કુલ આંકડામાં ૯૯ મતદારોનો ઘટાડો થયો છે. હાલ સુરેન્દ્રનગરમાં ૧૩,૪૪,૮૬૦ મતદારો નોંધાયેલા છે. આ ઘટાડો કડક ચકાસણી અને ડુપ્લીકેટ મતો દૂર થવાને કારણે હોઈ શકે છે.
દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાની વાત કરીએ તો, ત્યાં પણ મોટી સંખ્યામાં ફેરફારો થયા છે. સુરતમાં ૧,૦૧,૫૭૮ નવા નામ ઉમેરાયા છે, પરંતુ તેની સામે ૮૫,૭૩૪ જેટલી મોટી સંખ્યામાં નામ કમી પણ કરવામાં આવ્યા છે. આમ, સુરતમાં નેટ વધારો ૧૫,૮૪૪ મતદારોનો રહ્યો છે અને કુલ મતદારોની સંખ્યા ૩૬,૩૯,૦૪૨ થઈ છે. વડોદરા જિલ્લામાં ૪૭,૦૭૦ ના ઉમેરા અને ૧૨,૧૮૦ ના ઘટાડા સાથે ૩૪,૮૯૦ નો ચોખ્ખો વધારો થયો છે, જેથી વડોદરાના કુલ મતદારો ૨૨,૨૦,૦૯૫ થયા છે. રાજકોટ જિલ્લામાં પણ ૩૩,૪૨૧ નવા મતદારોના ચોખ્ખા વધારા સાથે કુલ આંકડો ૨૦,૮૮,૭૭૯ પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં ૩૩,૫૦૪ નામ ઉમેરાયા અને ૨૧,૭૧૦ કમી થતાં ૧૧,૭૯૪ નો વધારો થયો છે, જેથી કુલ મતદારો ૧૬,૧૫,૧૦૨ થયા છે. મહેસાણા જિલ્લામાં ૨૪,૭૪૧ ના ચોખ્ખા વધારા સાથે કુલ મતદારો ૧૬,૨૨,૫૩૭ થયા છે. પાટણમાં ૭,૭૮૭ ના વધારા સાથે કુલ ૧૧,૧૯,૫૨૫ અને સાબરકાંઠામાં ૧૬,૦૮૩ ના વધારા સાથે ૧૦,૭૭,૩૦૧ મતદારો નોંધાયા છે. ગાંધીનગર જિલ્લામાં પણ નોંધપાત્ર ૨૧,૨૩૩ નો વધારો થયો છે, જ્યાં કુલ મતદારો ૧૧,૯૫,૧૫૯ થયા છે.
સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની વિગતો જોઈએ તો, જામનગરમાં ૨.૦૧ ટકાના ઊંચા વળદ્ધિ દર સાથે ૨૧,૪૧૨ મતદારો વધ્યા છે. ભાવનગરમાં ૨૯,૯૬૪ મતદારો વધતા કુલ સંખ્યા ૧૬,૬૭,૯૪૫ થઈ છે. કચ્છ જેવા સરહદી અને વિસ્તારની દ્રષ્ટિએ મોટા જિલ્લામાં ૧૯,૩૭૬ મતદારો વધ્યા છે, જેથી ત્યાં કુલ આંકડો ૧૪,૯૫,૭૮૫ થયો છે. જૂનાગઢમાં ૨૧,૦૧૪, અમરેલીમાં ૧૪,૩૮૪ અને ગીર સોમનાથમાં ૧૨,૨૧૦ મતદારોનો ચોખ્ખો વધારો નોંધાયો છે. મોરબીમાં ૫,૨૬૯ અને દેવભૂમિ દ્વારકામાં ૪,૪૦૬ નો સાધારણ વધારો થયો છે. પોરબંદરમાં ૨.૧૨ ટકાના ઊંચા દરે ૯,૨૧૮ મતદારો વધ્યા છે.
મધ્ય ગુજરાતના આદિવાસી પટ્ટાના જિલ્લાઓમાં પણ જાગળતિ જોવા મળી છે. દાહોદમાં ૧૪,૦૮૪ ના વધારા સાથે કુલ ૧૫,૨૬,૮૫૭ મતદારો થયા છે. પંચમહાલમાં ૧૮,૭૭૨ નો વધારો થયો છે. છોટા ઉદેપુરમાં ૧.૯૬ ટકાના વધારા સાથે ૧૫,૨૪૧ નવા મતદારો જોડાયા છે. જ્યારે ખેડામાં ૧૮,૮૭૮ અને આણંદમાં ૮,૬૪૦ મતદારોનો ચોખ્ખો વધારો થયો છે. મહીસાગરમાં ૧૨,૭૩૪ મતદારો વધ્યા છે.
દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ભરૂચમાં ૭,૩૭૦, નર્મદામાં ૪,૮૨૬, તાપીમાં ૫,૧૯૫, નવસારીમાં ૬,૮૮૭ અને વલસાડમાં ૪,૬૯૮ મતદારોનો વધારો થયો છે. રાજ્યનો સૌથી નાનો જિલ્લો ડાંગ ૨.૧૫ ટકાનો સૌથી વધુ વળદ્ધિ દર ધરાવતા જિલ્લાઓમાંનો એક બન્યો છે, જ્યાં ૪,૦૯૨ મતદારો વધતા કુલ સંખ્યા ૧,૯૪,૬૫૩ થઈ છે.
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, આ વખતે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. બીએલઓ દ્વારા જે ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યો હતો તેમાં મળેલા તમામ ફોર્મનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. નાગરિકો પાસેથી મળેલા અદ્યતન ફોટોગ્રાફ્સ પણ મતદાર યાદીમાં અપડેટ કરવામાં આવ્યા છે, જેથી યાદીની ગુણવત્તામાં સુધારો થયો છે. જે મતદારોના નામ ડ્રાફ્ટ રોલ વખતે કમી કરવા પાત્ર હતા અથવા જેમના ફોર્મ પરત નહોતા મળ્યા, તેમની ખરાઈ માટે રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો સાથે પણ બેઠકો યોજવામાં આવી હતી. આ પારદર્શક પ્રક્રિયાને કારણે યાદી ક્ષતિરહિત બની છે.
૧ જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાતની તારીખના આધારે જે યુવાનો ૧૮ વર્ષ પૂર્ણ કરી ચૂકયા છે, તેમના માટે હજુ પણ તક છે. જે નાગરિકોનું નામ આખરી યાદીમાં નથી, તેઓ ફોર્મ નંબર ૬ ભરીને અરજી કરી શકે છે. નામમાં સુધારા માટે ફોર્મ નંબર ૮ અને નામ કમી કરવા માટે ફોર્મ નંબર ૭ નો ઉપયોગ કરી શકાશે. આ પ્રક્રિયા હવે નિરંતર ચાલતી રહેશે. નાગરિકો વોટર હેલ્પલાઇન એપ, સીઈઓ ગુજરાતની વેબસાઇટ અથવા વોટર પોર્ટલ પર જઈને પોતાનું નામ ચકાસી શકે છે.
આ સમગ્ર કવાયત માત્ર આંકડાકીય નથી, પરંતુ લોકશાહીના પાયાને મજબૂત કરવાની પ્રક્રિયા છે. રાજ્યના ૩૪ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, ૧૮૨ મતદાર નોંધણી અધિકારીઓ અને હજારો કર્મચારીઓની જહેમત બાદ તૈયાર થયેલી આ યાદી આગામી ચૂંટણીઓ માટેનો આધારસ્તંભ બની રહેશે. (રર.૨૩)
સૌથી વધુ મતદારો ધરાવતા ટોપ-૫ જિલ્લા
૧. અમદાવાદ - ૪૯,૧૨,૫૪૮
૨. સુરત - ૩૬,૩૯,૦૪૨
૩. વડોદરા - ૨૨,૨૦,૦૯૫
૪. રાજકોટ - ૨૦,૮૮,૭૭૯
૫. ભાવનગર - ૧૬,૬૭,૯૪૫
આખરી મતદાર યાદી એક નજરે
વિગત સંખ્યા
કુલ મતદારો (ડ્રાફ્ટ રોલ) ૪,૩૪,૭૦,૧૦૯
ઉમેરાયેલા નવા નામ ૯,૫૬,૧૨૧
કમી થયેલા નામ ૩,૯૫,૫૫૫
ચોખ્ખો વધારો ૫,૬૦,૫૬૬
કુલ મતદારો (ફાઈનલ રોલ) ૪,૪૦,૩૦,૭૨૫
નામ કઈ રીતે ચેક કરી શકાશે?
મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઇટ પર
વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ્લિકેશન દ્વારા
કેન્દ્રીય ચૂંટણી પંચના વોટર પોર્ટલ પર
તમારા વિસ્તારના બીએલઓ અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરીને

(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
