<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

જનસેવાના પર્યાય અને કર્મઠ લોકનેતા અર્જુનભાઈ મોઢવાડીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા આજે તેમનો ૬૯મો જન્‍મદિવસ ઉજવી રહ્યા છે. પોરબંદરના મોઢવાડા ગામથી શરૂ થયેલી તેમની સફર આજે ગુજરાતના મંત્રીમંડળના મહત્‍વના સ્‍તંભ સુધી પહોંચી છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સહિતના રાજકીય નેતાઓ અને કાર્યકરોએ તેમને શુભેચ્‍છાઓ પાઠવી છે.

૧૭ ફેબ્રુઆરી, ૧૯૫૭ના રોજ પોરબંદરના મોઢવાડામાં જન્‍મેલા અર્જુનભાઈ વ્‍યવસાયે મિકેનિકલ એન્‍જિનિયર છે. તેમણે કારકિર્દીની શરૂઆત ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં આસિસ્‍ટન્‍ટ એન્‍જિનિયર તરીકે કરી હતી, પરંતુ જનસેવાની લગની તેમને રાજકારણમાં ખેંચી લાવી. વર્ષ ૨૦૦૨માં પ્રથમ વખત ધારાસભ્‍ય બન્‍યા બાદ તેમણે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ જેવી મહત્‍વની જવાબદારીઓ નિભાવી છે. હાલમાં તેઓ ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે ગુજરાતના વિકાસમાં મહત્‍વનું પ્રદાન આપી રહ્યા છે.

મંત્રી તરીકે અર્જુનભાઈએ હાલમાં જ ‘ભાષિની' જેવા AI ટૂલ્‍સ દ્વારા સરકારી વહીવટમાં ગુજરાતી ભાષાના ઉપયોગ પર ભાર મૂક્‍યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્‍યમથી વહીવટમાં પારદર્શકતા લાવવી અને પર્યાવરણની જાળવણી એ તેમની પ્રાથમિકતા રહી છે. તેમના સરળ સ્‍વભાવ અને પ્રજાભિમુખ કાર્યશૈલીને કારણે તેઓ પક્ષ અને જનતા બંનેમાં લોકપ્રિય છે. આજે અર્જુનભાઈના જન્‍મદિને તેઓને શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે

(9:52 AM IST)