<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

રાજપીપળા કેનેરા બેંકના લોન મેનજરની ઉદ્ધતાઈનો કિસ્સો સામે આવ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લા જેવા ટ્રાયબલ વિસ્તારમાં આવેલી સરકારી અને ખાનગી બેંકોમા કામ કરતા હિન્દી ભાષી સ્ટાફ દ્વારા ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ અને ગેરવર્તન તેમજ આર્થિક ઉચાપતો કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેમાં રાજપીપળા સંતોષ ચાર રસ્તા વિસ્તારમાં આવેલી કેનેરા બેન્કના લોન મેનેજર દ્વારા મહિલા ખાતેદાર અને તેમના પતિ સાથે સોનુ છોડાવવા બાબતે ઉદ્ધતાઈ કરવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
 પ્રાપ્ત વિગતો મુજબ રાજપીપળાના સિંધીવાડ વિસ્તારમાં રહેતા અને ખાનગી નોકરી કરતા રિયાઝ બલૂચી અને તેમની પત્ની બેંકમાં મુકેલ ગોલ્ડ છોડાવવા જતા, લોન ઓફિસર દ્વારા તેમને ઉડાઉ જવાબ આપી ગ્રાહકના સ્વમાનને ઠેસ પહોંચે તેમ ઉગ્ર સ્વરે જવાબો આપ્યા હતા. આથી બેંકના ખાતેદાર દ્વારા આ મુદ્દે કેનેરા બેન્કના બ્રાન્ચ મેનેજરને લોન ઓફિસર ની તોછડાઇ સામે લેખિત ફરિયાદ કરી તેમની સામે શિસ્ત ભંગ અને ગ્રાહકનું સન્માનના જળવાય એ રીતના વર્તન સામે કાર્યવાહીની માંગ કરી છે.
નર્મદા જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો વિસ્તાર છે જેમાં આવેલી બેંકોમા મોટા ભાગે હિન્દી બોલતા કર્મચારીઓને કારણે ગ્રાહકો સ્ટાફની વાત સમજી શકતા નથી અને પરિણામે બેન્ક સ્ટાફ અને ગ્રહકો વચ્ચે વારંવાર બોલાચાલી ના કિસ્સા બનતા હોય છે.

(10:46 PM IST)