<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

સુરતમાં આતંકનો પર્યાય બનેલા કુખ્યાત ડોન ચિરાગ ગોટીનો પોલીસે કાઢ્યો વરઘોડો : રોષે ભરાયેલા હજારો લોકોએ શર્ટ ફાડી નાખ્યો : કહેવાતો ડોન બે હાથ જોડી માફી માંગતો થયો : જૂઓ વિડીયો

પોલીસ કમિશ્નર અનુપમસિહ ગેહલોતના માર્ગદર્શન અને DCP રાજદીપસિંહ નકુમના નેતૃત્વમાં PI અતુલ સોનારા, PI અશોક ચોધરી અને PI તુષાર પંડ્યાએ જાતે મોરચો સંભાળ્યો : પોલીસ કમિશ્નર સહિત SOG ટિમ પર અભિનંદન વર્ષા અપરંપાર : ઢોલ-નગારા સાથે લોકોએ ઉજવણી કરી ડોનને ફાંસી આપવાની માંગ કરી : ડ્રગ્સ કાંડ અને મારામારીના કેસમાં પિતા ઘનશ્યામની પણ ધરપકડ

રાજકોટ : સુરત શહેરમાં નિર્દોષ લોકોને ડરાવી, મારામારી કરી અને મિત્રની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવનાર નામચીન ગુંડા ચિરાગ ગોટીની શાન આજે સુરત પોલીસે ઠેકાણે લાવી દીધી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ અને ડીસીપી રાજદીપસિંહ નકુમના નેતૃત્વમાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા આજે કુખ્યાત ચિરાગ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા, પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરી અને પોલીસ ઇન્સ્પેક્ટર તુષાર પંડ્યાએ જાતે મોરચો સંભાળીને સમગ્ર વિસ્તારમાં પોલીસની ધાક અને કાયદાનું શાસન સ્થાપિત કર્યું હતું.
ભારે જનમેદની વચ્ચે ‘ટપલી દાવ’, શર્ટ ફાડી નાખ્યો
જ્યારે SOG પોલીસ ચિરાગ ગોટીને રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ પહોંચી ત્યારે લાંબા સમયથી તેના ત્રાસથી પીડાતા હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોનો આક્રોશ એટલો પ્રચંડ હતો કે ભીડમાં કોઈએ ડોનનો શર્ટ ફાડી નાખ્યો હતો અને તેના પર ટપલી દાવ કર્યો હતો. ભારે ધક્કામુક્કી વચ્ચે પોલીસે મહામહેનતે ચિરાગને ઉશ્કેરાયેલા લોકોના હાથમાંથી બચાવ્યો હતો. જે ડોન અત્યાર સુધી લોકોને ડરાવીને વીડિયો વાયરલ કરતો હતો, તે આજે જનતાના રોષ સામે બે હાથ જોડી કાકલૂદી કરતો અને માફી માંગતો નજરે પડ્યો હતો.
ડ્રગ્સ કાંડ અને શાતિર કરતૂતનો ભાંડો ફૂટ્યો
આ કેસની વિગત મુજબ, આશરે ૧૦ મહિના પહેલા ચિરાગ ગોટીએ પોતાના ભાગીદાર અલ્પેશ મિયાણી સાથેની અદાવતમાં તેની કારમાં ૭.૮૭ લાખ રૂપિયાનું ડ્રગ્સ મુકાવી તેને જેલ ભેગો કરાવ્યો હતો. જોકે, પોલીસની ઝીણવટભરી તપાસમાં ચિરાગની આ શાતિર ચાલ પકડાઈ ગઈ હતી. ગુનો નોંધાતા જ તે નેપાળ ભાગી ગયો હતો અને લાંબો સમય ફરાર રહ્યા બાદ કોર્ટમાં સરન્ડર કર્યું હતું. ચિરાગ સામે લૂંટ, ધમકી અને મારામારીના ૬થી વધુ ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત તેના પિતા ઘનશ્યામની પણ તેની કરતૂતોમાં સાથ આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
સમાજે પણ ફગાવ્યો, ધારાસભ્યની નીતિને સમર્થન
ચિરાગ ગોટી પ્રજાપતિ કડિયા સમાજમાંથી આવતો હોવા છતાં, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના અગ્રણીઓએ સ્પષ્ટપણે તેને સજા અપાવવાની માંગ કરી છે. સમાજ અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ગુનેગારની કોઈ જ્ઞાતિ હોતી નથી અને તેઓ ધારાસભ્યની 'ઝીરો ટોલરન્સ' નીતિનું સમર્થન કરે છે. સામાજિક કે રાજકીય દબાણ વગર નિષ્પક્ષ તપાસ થાય તે જ હિતમાં છે.
ઢોલ-શરણાઈ સાથે લોકોનો વિજયોત્સવ
ચિરાગ ગોટીના ઘર બહાર લોકોએ ફટાકડા ફોડી અને ઢોલ-નગારા વગાડીને પોલીસની આ કાર્યવાહીને વધાવી લીધી હતી. લોકોએ 'હર હર મહાદેવ'ના નાદ સાથે પોલીસ કમિશનર અને SOG ટીમ પર અભિનંદનનો વરસાદ કર્યો હતો. સામાન્ય રીતે રિકન્સ્ટ્રક્શન વખતે ડર હોય છે, પરંતુ અહીં લોકોએ ઉજવણી કરી ડોનને ફાંસી આપવાની ઉગ્ર માંગ કરી હતી. સુરત પોલીસની આ કામગીરીથી સમગ્ર શહેરમાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(11:19 PM IST)