<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

અંબાજી ટ્રસ્ટનો મોટો નિર્ણય :શ્રદ્ધાળુઓ પોતાની પસંદગીની કોઈ ખાસ તિથિ કે તારીખે આજીવન દાતા બની શકશે: બુધવારે નોંધણી સમારોહ

'અંબિકા અન્નક્ષેત્ર' ખાતે હજારો ભક્તો લે છે પ્રસાદનો લાભ :આ સેવાયજ્ઞને વધુ વ્યાપક અને લોકભાગીદારી વાળો બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા નવી યોજના અમલમાં મૂકાઈ

   

અંબાજી શક્તિપીઠ ખાતે માતાજીના દર્શને આવતા લાખો યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા 'અંબિકા અન્નક્ષેત્ર' ખાતે ચલાવવામાં આવે છે. આ સેવાયજ્ઞને વધુ વ્યાપક અને લોકભાગીદારી વાળો બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા નવી યોજના અમલમાં મૂકાઈ છે.

મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ યોજનામાં શ્રદ્ધાળુઓ પોતાની પસંદગીની કોઈ ખાસ તિથિ કે તારીખે આજીવન દાતા બની શકશે.

દાનની રકમ: જે દાતા રૂા. 1,51,000/- (એક લાખ એકાવન હજાર) નું દાન અર્પણ કરશે, તેઓ આજીવન તે નિશ્ચિત તિથિના દાતા તરીકે નોંધાશે 

વિશેષ સન્માન: દાતાએ પસંદ કરેલી તિથિએ દર વર્ષે ‘અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે તેમના નામની તકતી લગાવીને વિશેષ પ્રસિદ્ધિ કરવામાં આવશે 

વધુ દિવસો માટે દાન: કોઈ દાતા એકથી વધુ દિવસ માટે જોડાવા ઈચ્છતા હોય તો તેઓ તે મુજબના ગુણાંકમાં દાન આપી શકશે.

આ યોજનાના આગોતરા આયોજન અને દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે આગામી 18 ફેબ્રુઆરી 2026 (ફાગણ સુદ-1) ના રોજ સવારે 11:00 કલાકે અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દાતાઓની નોંધણી કરવામાં આવશે અને તેમનું સન્માન પણ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ માઈભક્તોને આ ઉમદા કાર્યમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અત્યારે પણ અંબાજીમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે:

  • સમય: સવારે 10:30 થી બપોરે 3:00 અને સાંજે 6:00 થી રાત્રે 9:30 કલાક સુધી.
  • મેનુ: સવારે પૂરી-શાક, દાળ-ભાત અને રાત્રે ભાખરી, શાક તથા કઢી-ખીચડી પીરસાય છે.
  • વિશેષ પ્રસાદ: દર રવિવારે, આઠમ અને પૂનમના દિવસે મોહનથાળનો મિષ્ટાન પ્રસાદ પીરસવામાં આવે છે.
  • ભક્તોની સંખ્યા: સામાન્ય દિવસોમાં અંદાજે 6,000 અને રવિવાર કે પૂનમ જેવા પર્વો પર 7,000 થી 8,000 ભક્તો અહીં તૃપ્ત થાય છે.

આ યોજનાથી અંબાજી આવતા યાત્રિકોને વધુ સારી સગવડ મળશે અને દાતાઓને પોતાની કમાણીનો અંશ માતાજીના ચરણોમાં 'અન્નસેવા' દ્વારા અર્પણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે.

 

(1:08 PM IST)