News of Sunday, 15th February 2026
અમદાવાદમાં લોહીના સંબંધો લજવાયા: પત્નીને તેડવા આવેલા જમાઈએ સસરાને છરીના ઘા ઝીંકી પતાવી દીધા
નારોલમાં પારિવારિક કંકાસમાં જમાઈ બન્યો જલ્લાદ; સુરતમાં પણ ટ્રકની ટક્કરે ભાઈની નજર સામે બહેનનું કરુણ મોત

અમદાવાદ:
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ગુનાખોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં એક જમાઈએ માનવીય સંવેદનાઓને નેવે મૂકીને પોતાના જ સસરાની નિર્મમ હત્યા કરી નાખતા હાહાકાર મચી ગયો છે. મૃતક અજીજભાઈ મજૂરીકામ કરીને ઘર ચલાવતા હતા, તેમની દીકરી પિયરમાં હતી જેને તેડવા માટે આરોપી જમાઈ આવ્યો હતો. "પત્નીને કેમ મોકલતા નથી?" કહીને શરૂ થયેલી બોલાચાલી એટલી હિંસક બની કે આવેશમાં આવી જમાઈએ તેના ભાઈ સાથે મળીને સસરા પર છરીથી જીવલેણ હુમલો કર્યો. અજીજભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા અને ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી ભાઈઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
બીજી તરફ, ડાયમંડ સિટી સુરતમાં પણ અકસ્માતનો રક્તરંજીત સિલસિલો યથાવત રહ્યો છે. લસકાણા વિસ્તારમાં ગઢપુર વાય જંકશન પાસે એક બેફામ ટ્રક ચાલકે મોપેડ પર જઈ રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યોને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ભાઈની નજર સામે જ બહેન રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પટકાઈ હતી. સ્થાનિક મહિલાઓએ માનવતા બતાવી પોતાની ઓઢણીની ઝોળી બનાવી ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ સુરત પોલીસ કરી રહી છે.
આ બંને ઘટનાઓએ સમાજમાં વધતી જતી અસહિષ્ણુતા અને રોડ પર વધતી બેદરકારી સામે લાલબત્તી ધરી છે. એક તરફ પારિવારિક ઝઘડા લોહીયાળ બની રહ્યા છે, તો બીજી તરફ રસ્તા પર દોડતા 'મોત' સમાન વાહનો માસૂમ લોકોનો ભોગ લઈ રહ્યા છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
