<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

માસૂમનું મૌન આક્રંદ અને પોલીસનો માનવીય ચહેરો: "હું જ મુસીબતનું મૂળ છું" કહી ઘર છોડનાર ૧૪ વર્ષના બાળકનો બચાવ

અભ્યાસના બોજ અને માતા-પિતાના ઝઘડાથી કંટાળી કિશોરે લીધો હતો અંતિમ નિર્ણય; પાણીગેટ પાસે દેવદૂત બની આવેલા પોલીસકર્મીઓએ નવું જીવન આપ્યું

વડોદરા: આજના સ્પર્ધાત્મક યુગમાં માર્ક્સ લાવવાની આંધળી દોટ એક માસૂમનો જીવ લેતા લેતા રહી ગઈ છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતા અને ધોરણ ૮ માં અભ્યાસ કરતા ૧૪ વર્ષના એક કિશોરે જ્યારે ઘર છોડ્યું ત્યારે તેના મનમાં ભણતરનો ભાર નહીં, પણ માતા-પિતાની અપેક્ષાઓનું પહાડ જેવડું દબાણ હતું. "મારે જીવવું નથી, મારા કારણે જ ઘરમાં કલેશ થાય છે" તેવા અત્યંત નકારાત્મક વિચારો સાથે નીકળેલા આ બાળકને વડોદરા પોલીસની સતર્કતા અને સંવેદનાએ મોતના મુખમાંથી પાછો લાવ્યો છે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે જેઓ પોતાના સંતાનોને માત્ર 'રિપોર્ટ કાર્ડ' તરીકે જુએ છે.

ઘટનાની વિગત એવી છે કે, માનવ (નામ બદલ્યું છે) પોતાના પરિવારનું એકમાત્ર સંતાન છે. પિતાની ઊંચી અપેક્ષાઓ અને ટ્યુશનના અતિરેક છતાં પરિણામ ન આવતા ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. બાળકને લાગ્યું કે તેના ઓછા માર્ક્સ જ માતા-પિતા વચ્ચેના વૈમનસ્યનું કારણ છે. આ ગ્લાનિમાં ડૂબેલા માનવે ઘર છોડી દીધું. સાંજના સમયે જ્યારે પાણીગેટ દરવાજા પાસે 'શિવજી કી સવારી'ના બંદોબસ્તમાં વ્યસ્ત SRP જવાન વિક્રમભાઈ પટેલ અને ASI હરેન્દ્રસિંહની નજર આ રડતા બાળક પર પડી, ત્યારે તેમને કંઈક અજુગતું હોવાનો અહેસાસ થયો. તેમણે લાઠી બાજુ પર મૂકી પિતાતુલ્ય હેત બતાવ્યું, જેનાથી બાળકનો ડર દૂર થયો અને તેની આંખોમાંથી પીડા વહી નીકળી.

ASI હરેન્દ્રસિંહે માત્ર બાળકને સાચવ્યો જ નહીં, પણ તેના પિતાને બોલાવીને એક કાઉન્સેલરની જેમ કડક શબ્દોમાં સમજાવ્યા. પિતાને અહેસાસ કરાવ્યો કે એક માર્કશીટ કરતા તેમનો પુત્ર વધુ કિંમતી છે. પોલીસના આ માનવીય અભિગમને કારણે એક હસતું-રમતું કુટુંબ વિખેરાતા બચી ગયું. પિતાએ પોતાની ભૂલ સ્વીકારી પુત્રને ગળે લગાડ્યો ત્યારે ત્યાં હાજર સૌની આંખો ભીની થઈ ગઈ હતી. વડોદરા પોલીસની આ સંવેદનશીલતાએ સાબિત કર્યું છે કે ખાખી વર્દીની અંદર પણ એક કોમળ હૃદય ધબકે છે, જે સમાજની સુરક્ષાની સાથે સંવેદનાઓને પણ બચાવે છે.

(1:21 PM IST)