<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ઓપરેશન 'ટાઈગર ક્વીન': રતનમહાલના એકાકી 'પ્રિન્સ' માટે હેલિકોપ્ટરમાં આવશે દુલ્હન

ગુજરાતમાં વાઘનો પરિવાર વધારવા વન વિભાગનો મેગા પ્લાન; મે-જૂનમાં માદા વાઘણને એરલિફ્ટ કરી જંગલમાં છોડાશે

દાહોદ/અમદાવાદ: ગુજરાતના રતનમહાલના જંગલોમાં છેલ્લા એક વર્ષથી પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠેલા એકમાત્ર નર વાઘ માટે હવે સારા સમાચાર આવ્યા છે. વન વિભાગ આ એકાકી 'શિકારી' માટે હવે માદા સાથી લાવવાની તડામાર તૈયારી કરી રહ્યું છે. બધું જ આયોજન મુજબ રહ્યું તો, આગામી મે અથવા જૂન મહિનામાં એક માદા વાઘણને ખાસ હેલિકોપ્ટર મારફતે એરલિફ્ટ કરીને રતનમહાલના જંગલમાં લાવવામાં આવશે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અને ગુજરાત વન વિભાગ વચ્ચેની બેઠકમાં આ ઐતિહાસિક 'ટ્રાન્સલોકેશન' પ્રોજેક્ટ પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે, આ વાઘણની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવશે. વન વિભાગ એવી માદા વાઘણની શોધમાં છે જેણે ક્યારેય મનુષ્યો કે પાલતુ પશુઓ પર હુમલો ન કર્યો હોય. તેને રેડિયો કોલર પહેરાવીને એરલિફ્ટ કરવામાં આવશે જેથી તેની દરેક હિલચાલ પર ૨૪ કલાક નજર રાખી શકાય. રતનમહાલનો આ નર વાઘ અત્યારે ૧૨૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકલો ફરે છે, પરંતુ તે અસલી 'જેન્ટલમેન' સાબિત થયો છે. વન વિભાગના 'સ્કેટ એનાલિસિસ' મુજબ, આ વાઘે ક્યારેય કોઈ ગામના ઢોરનો શિકાર કર્યો નથી. તે માત્ર જંગલી હરણ, નીલગાય અને ભૂંડ ખાઈને જ ગુજારો કરે છે, જે તેની શુદ્ધ વન્ય શિકારી હોવાની પ્રકૃતિ દર્શાવે છે.

 

આ વાઘના કારણે રતનમહાલના જંગલની જૈવવિવિધતા પણ કેમેરામાં કેદ થઈ છે. વાઘ પર નજર રાખવા માટે ગોઠવાયેલા કેમેરા ટ્રેપમાં ઉડતી ખિસકોલી, પેંગોલિન અને રેટલસ્નેક જેવા દુર્લભ પ્રાણીઓ પણ જોવા મળ્યા છે, જે આ જંગલની સમૃદ્ધિ દર્શાવે છે. હવે જ્યારે મે-જૂનમાં તેની સાથીદારનું આગમન થશે, ત્યારે ગુજરાતમાં વર્ષો પછી વાઘના પરિવારનો વંશવેલો આગળ વધવાની આશા જાગી છે. વન વિભાગની ફિલ્ડ ટીમો હાલમાં વાઘના પંજાના નિશાન અને તેની ગંધ છોડવાની પદ્ધતિનો ગહન અભ્યાસ કરી રહી છે જેથી નવી આવનારી 'ક્વીન' માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરી શકાય.

(10:48 AM IST)