તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
કુદરતનો બેવડો મિજાજ: એકતરફ ગરમીનો પારો ચઢશે, તો બીજીતરફ માવઠું પલાળશે
ગુજરાત સહિત ૧૧ રાજ્યોમાં વરસાદનું એલર્ટ; અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતિત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે ધમાલ

અમદાવાદ: ગુજરાતમાં અત્યારે શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે અને ઉનાળો દસ્તક દઈ રહ્યો છે, પરંતુ આ ઋતુ પરિવર્તનની વચ્ચે 'માવઠા'નું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, ૨૨ ફેબ્રુઆરી બાદ ઉત્તર ભારતમાં સક્રિય થનારા શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે વલસાડ અને નવસારી જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ અણધારી આફતથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
બીજી તરફ, સમગ્ર દેશમાં હવામાનનો વિચિત્ર મિજાજ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ૧૧ રાજ્યોમાં આગામી ૨૪ કલાકમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષાની શક્યતા છે, જેની અસર મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો તરીકે જોવા મળશે. ૧૭ અને ૧૮ ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થતાં લોકોએ અસહ્ય બફારાનો સામનો કરવો પડશે.
ગુજરાતના તાપમાનની વાત કરીએ તો, હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીને કારણે લોકો બીમાર પડી રહ્યા છે. નલિયામાં પારો ૧૨ ડિગ્રી સુધી ગગડ્યો છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ૧૬ ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના પગલે ૧૯ ફેબ્રુઆરી સુધી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. ફેબ્રુઆરીનો અંત ગરમી અને વરસાદના મિશ્રણ સાથે પસાર થશે તે નક્કી છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
