તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
'56ની છાતીવાળા PM ટ્રમ્પ સામે સરેન્ડર થયા!': અમિત ચાવડાનો કેન્દ્ર પર ગંભીર પ્રહાર; ટ્રેડ ડીલથી ગુજરાતના ખેડૂતો અને ટેક્સટાઇલ ઉદ્યોગ બરબાદ થશે તેવી ભીતિ!
અમેરિકાના ટેરિફ સામે કેન્દ્રની ચુપકીદી પર સવાલ: બાંગ્લાદેશને છૂટ અને ભારત પર 18% ટેક્સ કેમ? 16મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં કોંગ્રેસ ગજવશે 'જન આક્રોશ' સભા

અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અને ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ (કર) વધારવાના નિર્ણયો મુદ્દે અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે કે, વડાપ્રધાન અમેરિકા સામે સંપૂર્ણ રીતે સરેન્ડર થઈ ગયા છે, જેના કારણે દેશની અર્થવ્યવસ્થા અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન થવાનું છે.
ખેડૂતો અને ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર ટ્રેડ ડીલની વિગતો જનતા સામે રજૂ કરવામાં ડરી રહી છે. તેમણે તુલના કરતા જણાવ્યું કે, "જો બાંગ્લાદેશ અમેરિકામાં કપડાં એક્સપોર્ટ કરે તો શૂન્ય ટકા ટેરિફ લાગે છે, જ્યારે ભારત એક્સપોર્ટ કરે તો 18 ટકા ટેરિફ લાદવામાં આવે છે. આ ભેદભાવને કારણે ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ પાયમાલ થઈ જશે." આ ડીલથી ડેરી ઉદ્યોગ અને પશુપાલકોને પણ મોટો ફટકો પડવાની આશંકા તેમણે વ્યક્ત કરી છે.
દ્વારકાના ખેડૂતો સહાયથી વંચિત: પાલ આંબલિયાના આક્ષેપ
બીજી તરફ, કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ કૃષિમંત્રી જીતુ વાઘાણી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની જવાબદારીમાંથી ભાગી રહી છે. ઓક્ટોબરમાં થયેલા કમૌસમી વરસાદને 4 મહિના વીતી ગયા હોવા છતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1700થી વધુ ખેડૂતોને હજુ સુધી રાહત પેકેજની સહાય મળી નથી. વધુમાં, ટેકાના ભાવે મગફળી વેચનારા 5000થી વધુ ખેડૂતોના પૈસા પણ હજુ સરકાર પાસે બાકી છે.
ગાંધીનગરમાં જામશે જન આક્રોશનો જંગ
સરકારની આ નીતિઓ સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે કોંગ્રેસ દ્વારા આગામી 16મી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે 'જન આક્રોશ' સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત ચાવડાએ જણાવ્યું કે આ સભામાં માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ બેરોજગાર યુવાનો, મોંઘવારીથી ત્રસ્ત મહિલાઓ, નાના વેપારીઓ અને દલિત-આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવામાં આવશે. કોંગ્રેસે માંગ કરી છે કે ટેકાના ભાવના નાણાં ચૂકવવામાં નિષ્ફળ ગયેલા કૃષિમંત્રીએ જાહેર જનતાની માફી માંગવી જોઈએ.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
