<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

વડોદરામાં બોર્ડ પરીક્ષાનો મહાકુંભ: ૭૨ હજારથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ કસોટીએ, ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થતા જંગમાં ૧૩ કેદીઓ પણ કલમ અજમાવશે

૨૬૭ કેન્દ્રો પર CCTVની ત્રીજી આંખનો પહેરો; ૨૬ ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ, વીજ કંપની અને ST તંત્રને સ્ટેન્ડ-બાય રહેવા આદેશ; જિલ્લા શિક્ષણ તંત્ર સજ્જ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આગામી ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ધોરણ ૧૦ (SSC) અને ધોરણ ૧૨ (HSC) ની બોર્ડ પરીક્ષાઓ માટે શિક્ષણ વિભાગે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આ વર્ષે વડોદરા શહેર અને જિલ્લાના ૨૬૭ કેન્દ્રો પરથી ૭૨,૬૬૮ જેટલા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની મહત્વની પરીક્ષા આપશે. તંત્ર દ્વારા પરીક્ષા લક્ષી તમામ આયોજન પૂર્ણ કરી 'મિશન એક્ઝામ' માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
૧૩ કેદીઓ માટે ખાસ વ્યવસ્થા: જેલના સળિયા પાછળથી શિક્ષણની ઉડાન
આ વર્ષની પરીક્ષામાં સૌથી આકર્ષક અને સંવેદનશીલ પાસું એ છે કે, વડોદરાની જેલના ૧૩ કેદીઓ પણ પરીક્ષા આપવાના છે. જેમાં ધોરણ ૧૦ માં ૯ કેદીઓ અને ધોરણ ૧૨ માં ૪ કેદીઓનો સમાવેશ થાય છે. આ કેદીઓ માટે જેલ પ્રશાસન અને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે, જેથી તેઓને પણ મુખ્ય પ્રવાહમાં આવવાની તક મળે.
CCTVનો લોખંડી પહેરો અને ગેરરીતિ અટકાવવા કડક નિયમો
પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ચોરી ન થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની ચાંપતી નજર રાખવાની સૂચના આપી છે. SSC માટે ૪ ઝોન અને HSC માટે ૨ ઝોનમાં વહેંચાયેલા આ કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવશે. ગેરરીતિ કરનાર સામે કાયદેસરના કડક પગલાં ભરવાની પણ તૈયારી કરી લેવામાં આવી છે.
તમામ વિભાગોને 'એલર્ટ' રહેવા આદેશ
વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે શિક્ષણ વિભાગે વીજ કંપની (MGVCL) ને અવિરત પાવર સપ્લાય રાખવા અને એસટી નિગમને વધારાની બસો દોડાવવા સૂચના આપી છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ કલમ ૧૪૪ લાગુ કરીને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને નિર્ભય બની, અફવાઓથી દૂર રહીને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અપીલ કરી છે.
વડોદરામાં પરીક્ષાનું વાતાવરણ જામી રહ્યું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ વર્ષે શહેરનું પરિણામ કેવું રહે છે.

(10:01 PM IST)