તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
વસ્ત્રાપુરના પોશ વિસ્તારમાં 'ગેંગવોર' જેવો માહોલ: કાર પાર્કિંગના સમાધાનનો ખાર રાખી ૧૫ શખ્સોનું ટોળું તૂટી પડ્યું, છરા અને પાઇપોથી બે યુવકો પર લોહિયાળ હુમલો
સમાધાનના ₹૧૨ હજાર આપ્યા પણ મનમાં વેર રાખ્યું! વસ્ત્રાપુરમાં ઓફિસ નીચે બેઠેલા ભાઈઓ પર હથિયારો સાથે ત્રાટકી મચાવી આતંક; ચાર કુખ્યાત શખ્સો સામે ગુનો દાખલ

અમદાવાદ: અમદાવાદના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં જાણે કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ જ ન રહ્યું હોય તેમ, ૧૫ જેટલા અસામાજિક તત્વોએ ધોળા દિવસે આતંક મચાવ્યો છે. માત્ર કાર ખસેડવા જેવી નજીવી બાબતમાં થયેલા અગાઉના સમાધાનનો ખાર રાખીને બે નિર્દોષ યુવકો પર લાકડી, પાઇપ અને ધારદાર છરા વડે હિચકારો હુમલો કરવામાં આવ્યો છે.
ચાની કિટલીએ થયેલી માથાકૂટનું લોહિયાળ અંજામ
મૂળ ભાવનગરના અને હાલ અમદાવાદમાં રહેતા મહાવીરસિંહ મોરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ વિવાદની શરૂઆત થોડા દિવસ પહેલા બોડકદેવમાં એક ચાની કિટલી પાસે થઈ હતી. રસ્તામાં ઉભેલી ક્રેટા કાર ખસેડવા બાબતે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી અને આરોપીઓએ મહાવીરસિંહની કારમાં તોડફોડ કરી હતી. જોકે, સરખેજ પોલીસ મથકમાં આરોપીઓએ નુકસાનીના ૧૨ હજાર રૂપિયા ચૂકવી દેતા મામલો થાળે પડ્યો હતો, પણ આરોપીઓના મનમાં આ સમાધાનનો ખાર રહી ગયો હતો.
ઓફિસ નીચે જ ૧૫ શખ્સોએ ઘેરી લીધા
બીજા દિવસે જ્યારે મહાવીરસિંહ અને તેમના માસીનો દીકરો વસ્ત્રાપુર સ્થિત ઓફિસની નીચે બેઠા હતા, ત્યારે અચાનક ૧૦ થી ૧૫ લોકોનું ટોળું ધસી આવ્યું હતું. આ ટોળાએ "કાલે બહુ પોલીસવાળો બનતો હતો ને..." તેમ કહી હુમલો શરૂ કર્યો હતો. લોખંડની પાઇપો અને છરા વડે કરવામાં આવેલા આ હુમલાને કારણે વસ્ત્રાપુર જેવા ગીચ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો ડરના માર્યા પોતાના વાહનો મૂકીને ભાગવા લાગ્યા હતા.
પોલીસે ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા
હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બંને ભાઈઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે પરેશ રબારી, લાલો ભરવાડ, મોન્ટુ ભરવાડ અને સુનિલ રબારી નામના શખ્સો વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ અસામાજિક તત્વોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વધતી જતી આવી ગેંગસ્ટર સંસ્કૃતિએ રહીશોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ તત્વો સામે કેવા કડક પગલાં ભરે છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
