તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Saturday, 14th February 2026
ગાંધીનગરમાં પ્રજાપતિ સમાજની ગર્જના: "વોટબેંક નહીં, પ્રતિનિધિત્વ જોઈએ," સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપને ખુલ્લી ચીમકી, ટિકિટ નહીં તો છેડો ફાડવાની તૈયારી
ગુજરાત પ્રજાપતિ એકતા કમિટીનું ભવ્ય સંમેલન શક્તિપ્રદર્શનમાં ફેરવાયું; ઉત્તર અને મધ્ય ગુજરાતના રાજકીય સમીકરણો બદલવા સમાજ એકજૂથ, સન્માન સમારોહમાં જ ફૂંકાયું આંદોલનનું રણશિંગુ

ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે પ્રજાપતિ સમાજે પોતાની રાજકીય તાકાતનું પ્રદર્શન કરીને સત્તાધારી પક્ષ ભાજપ સામે સીધું જ મોરચો માંડ્યો છે. 'ગુજરાત પ્રજાપતિ એકતા કમિટી' દ્વારા આયોજિત નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન સમારોહમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા સમાજના લોકોએ એક જ સૂરે રાજકીય ઉપેક્ષા સામે રોષ વ્યક્ત કર્યો હતો.
સન્માન સમારોહથી શરૂઆત, રાજકીય લડતની જાહેરાત
શરૂઆતમાં આ કાર્યક્રમ માત્ર હોદ્દેદારોના સન્માન પૂરતો મર્યાદિત જણાતો હતો, પરંતુ મંચ પરથી નેતાઓએ જ્યારે સમાજની વસ્તી અને તેમને મળતા રાજકીય હિસ્સાની વાત કરી ત્યારે માહોલ ગરમાયો હતો. સમાજના અગ્રણીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રજાપતિ સમાજની વસ્તી હોવા છતાં ધારાસભાથી માંડીને પંચાયતો સુધી તેમને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી. હવે સમાજ માત્ર ‘વોટબેંક’ બનીને રહેવાને બદલે સત્તામાં હિસ્સેદારી ઈચ્છે છે.
ભાજપ સામે 'બાયો ચડાવી': ૨૦૨૬ની ચૂંટણી પર નજર
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ૨૦૨૬ની રાજકીય પહલ પૂર્વે સમાજે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં પ્રજાપતિ સમાજના ઉમેદવારોને પૂરતી ટિકિટો ફાળવવામાં નહીં આવે, તો તેઓ ભાજપથી વિમુખ થઈ જશે. પરંપરાગત રીતે ભાજપની મજબૂત વોટબેંક ગણાતા આ સમાજમાં અત્યારે ટિકિટ વહેંચણીમાં થતા અન્યાયને કારણે પાયાના કાર્યકરોમાં ભારે આક્રોશ છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સમીકરણો બદલાશે?
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો પ્રજાપતિ સમાજ પોતાની આ માંગ પર અડગ રહેશે, તો ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતની ઘણી બેઠકો પર ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. લોકશાહીમાં જેનું સંખ્યાબળ તેનું જ પ્રભુત્વ - આ મંત્ર સાથે હવે પ્રજાપતિ સમાજ ગુજરાતના રાજકારણમાં પોતાની અસ્તિત્વની લડાઈ લડવા સજ્જ થયો છે.
આ સંમેલને સ્પષ્ટ કરી દીધું છે કે હવે ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિગત સમીકરણો ફરી એકવાર નિર્ણાયક બનશે. પ્રજાપતિ એકતા કમિટીની આ ચીમકી બાદ હવે ભાજપ હાઈકમાન્ડ આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
