તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
"યુવાનો, ફિલ્મી દુનિયા છોડી વાસ્તવિકતામાં આવો": પાટીદાર નેતા લાલજી પટેલની લાલબત્તી, ગેંગસ્ટર બનવાના ક્રેઝ સામે વ્યક્ત કરી ભારે ચિંતા
સટ્ટા અને દારૂના રવાડે ચઢતા યુવાનોના નામો જોઈ હૃદય ધ્રુજી ઉઠે છે; સામાજિક મેળાવડા માત્ર જમવા માટે નહીં પણ નવી દિશા આપવા માટે હોવા જોઈએ - લાલજી પટેલની ધારદાર ટકોર

મહેસાણા: પાટીદાર સમાજના અગ્રણી નેતા લાલજી પટેલે સમાજના યુવાનોમાં વધતી જતી ગુનાખોરી અને સોશિયલ મીડિયા પર 'ગેંગસ્ટર' બનવાના ફૂંકાઈ રહેલા ખોટા પવન સામે ચેતવણી આપી છે. એક સામાજિક સંમેલન દરમિયાન તેમણે યુવાનોને હિંસા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છોડીને કારકિર્દી પર ધ્યાન આપવા માટે સખત શબ્દોમાં ટકોર કરી હતી.
ફિલ્મો અને સોશિયલ મીડિયાનો ભ્રામક પ્રભાવ
લાલજી પટેલે વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આજનો યુવાન ફિલ્મો જોઈને ગુનેગારોને પોતાના આદર્શ માની રહ્યો છે. રીલ્સ અને સોશિયલ મીડિયામાં ગેંગસ્ટર સંસ્કૃતિનો પ્રભાવ એટલો વધી ગયો છે કે અનેક આશાસ્પદ યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. પાટીદાર સમાજ જેની ઓળખ મહેનત અને શિક્ષણથી હતી, તે સમાજના યુવાનોના નામ હવે દારૂ અને સટ્ટાબાજી જેવા કેસોમાં આવી રહ્યા છે, જે અત્યંત ગંભીર અને દુઃખદ બાબત છે.
સંમેલનો માત્ર જમવા માટે નથી: સામાજિક જાગૃતિનો સંદેશ
"આપણે જ્યારે સામાજિક સંમેલનો કરીએ છીએ, ત્યારે તેનો હેતુ માત્ર સાથે મળીને જમવાનો કે ફોટા પડાવવાનો નથી હોતો," તેમ જણાવતા લાલજી પટેલે ઉમેર્યું કે આ મંચનો ઉપયોગ સમાજની નબળાઈઓ દૂર કરવા માટે થવો જોઈએ. યુવાનો જે રીતે શોર્ટકટથી પૈસા કમાવવા ગુનાખોરીના રવાડે ચઢી રહ્યા છે તે જોઈને ધ્રુજારી છૂટી જાય છે. તેમણે વડીલોને પણ અપીલ કરી હતી કે તેઓ પોતાના સંતાનોની સંગત અને પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન આપે.
સરકારી ભરતી અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરો
નકારાત્મકતા છોડીને યુવાનોને નવી દિશા ચીંધતા લાલજી પટેલે આહવાન કર્યું હતું કે, પાટીદાર યુવાનોએ હવે સરકારી નોકરીઓ અને વહીવટી તંત્રમાં પોતાનું વર્ચસ્વ જમાવવાની જરૂર છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ ભરતીઓમાં યુવાનો વધુમાં વધુ ફોર્મ ભરે અને ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કરીને સમાજનું નામ રોશન કરે તે જ સમયની માંગ છે.
લાલજી પટેલની આ સાચી ટકોરને પાટીદાર સમાજના અન્ય અગ્રણીઓએ પણ સમર્થન આપ્યું છે. ગુનાખોરીના રસ્તે ગેંગસ્ટર બનીને ક્ષણિક વાહવાહ મેળવવા કરતા, ભણી-ગણીને વહીવટી અધિકારી બની દેશની સેવા કરવી એ જ સાચો માર્ગ છે તેવો સંદેશ આ નિવેદન દ્વારા આપવામાં આવ્યો છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
