<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

મહાશિવરાત્રિના પાવન પર્વે CMની ભક્તિમય મુલાકાત: જૂનાગઢ ભવનાથમાં શિશ નમાવશે અને સોમનાથમાં દાદા ભગવાન ત્રિમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપશે હાજરી

ગિરનારની ગોદમાં સાધુ-સંતોના આશીર્વાદ મેળવશે મુખ્યમંત્રી; પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરશે પ્રાર્થના

જૂનાગઢ: મહાશિવરાત્રિના પવિત્ર અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે, ૧૫ ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસે પધારશે. શિવરાત્રિના મેળાના અંતિમ દિવસે અને ભગવાન ભોળાનાથના અતિપ્રિય દિવસે મુખ્યમંત્રી જૂનાગઢ અને સોમનાથ ખાતે વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોમાં સહભાગી થઈ ભક્તિના રંગે રંગાશે.
ભવનાથ તળેટીમાં હર હર મહાદેવનો નાદ
મુખ્યમંત્રી આવતીકાલે બપોરે જૂનાગઢ પહોંચશે, જ્યાં તેઓ ગિરનારની તળેટીમાં બિરાજતા ઐતિહાસિક ભવનાથ મહાદેવના મંદિરે વિશેષ પૂજા-અર્ચના કરશે. મિની કુંભ ગણાતા શિવરાત્રિના મેળાના પાંચમા અને અંતિમ દિવસે CMની આ મુલાકાત ખૂબ મહત્વની ગણાય છે. તેઓ અંદાજે બે કલાક જૂનાગઢમાં રોકાશે અને ગિરનાર ક્ષેત્રના પૂજ્ય સાધુ-સંતો તથા અખાડાઓના મહંતોની મુલાકાત લઈ તેમના આશીર્વાદ મેળવશે. મેળાના અંતિમ દિવસે નીકળનારી ભવ્ય રવાણી (શાહી સ્નાન) પૂર્વે મુખ્યમંત્રીની હાજરીથી તંત્ર અને ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે.
સોમનાથમાં મહાદેવના દર્શન અને સાંસ્કૃતિક સંધ્યા
જૂનાગઢથી સીધા મુખ્યમંત્રી સાંજે ૦૫:૪૦ કલાકે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર પહોંચશે. મહાશિવરાત્રિના અવસરે સોમનાથ ટ્રસ્ટ અને પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. મંદિરમાં વિશેષ પૂજા અને આરતી બાદ તેઓ શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કરશે. ઝગમગતી રોશનીથી શણગારેલા સોમનાથ મંદિરના સાનિધ્યમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ આ પર્વને વધુ ગરિમામય બનાવશે.
ત્રિમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થશે
સોમનાથ મહાદેવના દર્શન બાદ મુખ્યમંત્રી દાદા ભગવાન ત્રિમંદિર ખાતે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. આ મહોત્સવમાં તેઓ આધ્યાત્મિક વિધિઓમાં સહભાગી થઈને આશીર્વાદ પ્રાપ્ત કરશે. એક જ દિવસમાં શિવ શક્તિ અને જ્ઞાનના સંગમ સમાન આ મુલાકાત મુખ્યમંત્રીની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે.

(8:33 PM IST)