તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
ભાવનગરમાં રૂ. ૫૦૯ કરોડના વિકાસકામોનો મહાકુંભ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ૫૦ ઈ-બસોને લીલી ઝંડી આપી : પીએમ ઈ-બસ સેવા શરૂ કરનાર રાજ્યનું પ્રથમ શહેર બન્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં ૩૫ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ : અધેવાડા ખાતે અત્યાધુનિક બસ ડેપોનું નિર્માણ, ‘ચેરિટી ભવન’ ના ખાતમુહૂર્ત સાથે શૈક્ષણિક અને આર્થિક વિકાસના નવા આયામો ખુલશે

ભાવનગર : ગોહિલવાડની ધરા પર વિકાસના નવા કિરણો ફેલાવતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ. ૫૦૯.૨૩ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૧૪૦.૮૩ કરોડના ૩૫ કામોના ખાતમુહૂર્ત અને રૂ. ૩૬૮.૪૦ કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરની નવી લાઇફલાઇન: ૫૦ ઈલેક્ટ્રિક બસોનો પ્રારંભ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની પીએમ ઈ-બસ સેવા (PM e-Bus Sewa) યોજના હેઠળ ભાવનગરને ૫૦ સ્માર્ટ અને પ્રદૂષણમુક્ત બસો ફાળવવામાં આવી છે. આ યોજનાના બીજા તબક્કામાં ઈ-બસ સેવા શરૂ કરનાર ભાવનગર ગુજરાતનું સૌપ્રથમ શહેર બન્યું છે. અધેવાડા ખાતે બસોના મેન્ટેનન્સ માટે અત્યાધુનિક ડેપો તૈયાર કરાયો છે. હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ એસી બસો નાગરિકોને શીતળતા આપશે. વધુમાં, હીરા અને કાપડ ઉદ્યોગને યુએસ સાથેની ટ્રેડડીલથી થનારા ફાયદા અને કૃષિ રાહત પેકેજ અંગે પણ તેમણે વિગતો આપી હતી.
પરિવહન સુવિધા: સસ્તું અને સુરક્ષિત પરિવહન
કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપી હતી કે, ઈ-બસ પ્રોજેક્ટ માટે રૂ. ૧૮.૨૪ કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું છે અને ૧૨ વર્ષ માટે બસોના સંચાલન પાછળ અંદાજે રૂ. ૩૫૦ કરોડનો ખર્ચ થશે. નાગરિકો માટે ભાડાના દર ખૂબ જ રાહતદરે એટલે કે ૫ કિમી સુધી માત્ર રૂ. ૧૦/- નક્કી કરાયા છે. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, આ બસો શહેરના ૯ અર્બન અને ૧૫ કિમી સુધીના ગ્રામ્ય વિસ્તારના ૮ સબ-અર્બન રૂટ પર દોડશે. જેનાથી દરરોજ ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ, મજૂરો અને નોકરીયાત વર્ગને સીધો લાભ મળશે.
ભાવનગરને મળ્યું નવું ‘ચેરિટી ભવન’
આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીના હસ્તે ભાવનગર ખાતે નવનિર્મિત થનાર ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. સંયુક્ત ચેરિટી કમિશનર કચેરી અને જાહેર ટ્રસ્ટોની નોંધણી માટે બનનારા આ ભવનમાં કોર્ટ રૂમ, રેકોર્ડ રૂમ અને બાર રૂમ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ આ બજેટને ‘વિકસિત ભારત ૨૦૪૭’ નું વિઝનરી બજેટ ગણાવતા ગુજરાતને વિકાસનો રોલ મોડલ ગણાવ્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ ભવ્ય સમારોહમાં મેયર ભરત બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ધારાસભ્ય સેજલબેન પંડયા, શિવાભાઈ ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, કલેકટર ડો. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી તેમજ અગ્રણી કુમાર શાહ અને દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઈ-બસ લોગો કોમ્પિટિશનના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
