<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

ગુજરાતના રાજકારણમાં ગણગણાટ : ‘આપ’માં ભંગાણ વચ્ચે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતનો આકરો પ્રહાર : ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીના ભવિષ્ય અંગે કરી મોટી ભવિષ્યવાણી

રાજુ કરપડાના રાજીનામા બાદ સંગઠનમાં ભડકો : ગોપાલ ઇટાલિયા પક્ષ સાફ કરી ભાજપમાં જશે અને ઈશુદાન ગઢવીનો રાજકીય ‘ભોગ’ લેવાશે તેવો દુધાતનો દાવો : જેલવાસ દરમિયાન મદદ ન મળી હોવાનો કરપડાનો ગંભીર આક્ષેપ

અમરેલી : ગુજરાતના રાજકીય ફલક પર આમ આદમી પાર્ટી (AAP) માં આંતરિક વિખવાદ અને રાજીનામાનો દોર શરૂ થતા ગરમાવો વધી ગયો છે. ખાસ કરીને ખેડૂત નેતા રાજુ કરપડાએ પક્ષને અલવિદા કહ્યા બાદ કોંગ્રેસના આક્રમક નેતા પ્રતાપ દુધાતે મેદાનમાં આવીને ‘આપ’ ના ટોચના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા છે. દુધાતે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીના રાજકીય ભવિષ્ય અંગે કરેલા નિવેદનોએ ભારે ચર્ચા જગાડી છે.
‘ઝાડુ મારીને ભાજપમાં જોડાશે ગોપાલ ઇટાલિયા’
અમરેલી જિલ્લા કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધતા એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને સંપૂર્ણપણે સાફ કરી દેશે. તેઓ પોતે જ પક્ષમાં ‘ઝાડુ’ મારીને છેવટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે." દુધાતે જનતાને આ રાજકીય ખેલ સમજવા માટે અપીલ કરી હતી.
ઈશુદાન ગઢવીના હાલ પણ કરપડા જેવા થશે: દુધાત
તાજેતરમાં ‘આપ’ માંથી રાજીનામું આપનારા રાજુ કરપડાની વર્તમાન સ્થિતિનો હવાલો આપતા પ્રતાપ દુધાતે કહ્યું કે, વિસાવદરની ચૂંટણી સમયે મોટા નિવેદનો આપનારા રાજુ કરપડા આજે ક્યાં છે તે સૌ જોઈ રહ્યા છે. આ જ રસ્તે હવે ઈશુદાન ગઢવી જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં તેમનો પણ રાજકીય ‘ભોગ’ લેવાશે તેવી ભીતિ તેમણે વ્યક્ત કરી હતી.
રાજુ કરપડાની વ્યથા: ‘પક્ષના નેતાઓએ મને ફસાવ્યો’
બીજી તરફ, સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ૧૨મી ફેબ્રુઆરીના રોજ પત્રકાર પરિષદ યોજીને ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે પક્ષના પ્રદેશ નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે, "જ્યારે હું જેલમાં હતો ત્યારે પક્ષના કેટલાક નેતાઓની માનસિકતા એવી હતી કે હું જેલની બહાર જ ન આવું. મને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો."
વધુમાં કરપડાએ પોતાની પીડા ઠાલવતા જણાવ્યું કે, જેલવાસ દરમિયાન પાર્ટી એક સારા વકીલની વ્યવસ્થા સુધ્ધાં કરી શકી નહોતી અને આંદોલનકારી ખેડૂતોને કોઈ કાનૂની મદદ પૂરી પાડવામાં આવી નહોતી. આમ આદમી પાર્ટીમાં અત્યારે આંતરિક ડખો ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે, જેનો સીધો લાભ વિપક્ષી નેતાઓ લઈ રહ્યા છે.

(5:25 PM IST)