<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

૨૦ એપ્રિલથી ૧૯ મે ૨૦૨૬ દરમિયાન ઘરયાદી-મકાનોની ગણતરી શરૂ થશે

સરકાર દ્વારા ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના જાહેરનામાથી સમયગાળો પુનઃનિર્ધારિત : ૫ થી ૧૯ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ૧૫ દિવસની સ્‍વ-ગણતરીઃ ગણતરીદારો ઘર-ઘર જઈ માહિતી એકત્રિત કરશે

 

ગાંધીનગર,તા.૧૪: ભારત સરકારના ૭ જાન્‍યુઆરી ૨૦૨૬ના જાહેરનામાના અનુસંધાને ગુજરાત સરકારએ ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના જાહેરનામા દ્વારા રાજ્‍યમાં ઘરયાદી અને મકાનોની ગણતરી (HLO) માટેનો સમયગાળો પુનઃનિર્ધારિત કર્યો છે. રાજ્‍યમાં ક્ષેત્રીય કામગીરી ૨૦ એપ્રિલથી ૧૯ મે ૨૦૨૬ દરમિયાન હાથ ધરાશે. તાલીમ પ્રાપ્ત ગણતરીદારો દરેક ઘરની મુલાકાત લઈને વ્‍યવસ્‍થિત અને સંપૂર્ણ ગુપ્તતા સાથે જરૂરી માહિતી એકત્રિત કરશે.

આ તબક્કામાં વ્‍યાપક ઘર-ઘર સર્વે દ્વારા ઘરની સ્‍થિતિ, કુટુંબની અસ્‍કયામતો અને ઉપલબ્‍ધ સુવિધાઓ અંગે માહિતી સંકલિત કરવામાં આવશે.ઘરયાદી (HLO) શરૂ થાય તે પહેલાં ૫ થી ૧૯ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ૧૫ દિવસની સ્‍વ-ગણતરી (SE) યોજાશે. આ અવિવધ દરમિયાન નાગરિકોને ડિજિટલ માધ્‍યમથી પોતાની માહિતી સ્‍વયં સબમિટ કરવાની તક મળશે, જેથી સહભાગિતામાં સરળતા અને ડેટાની ચોકસાઈમાં વધારો થશે. સરકાર દ્વારા સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું છે કે જનગણના દરમિયાન એકત્રિત થતી તમામ માહિતી કડક ગુપ્તતા સાથે રાખવામાં આવશે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય હેતુઓ માટે જ કરવામાં આવશે. ૨૦૨૭ની જનગણના સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે રાજ્‍યના દરેક નાગરિકનો સહયોગ અનિવાર્ય માનવામાં આવ્‍યો છે. આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થનારા આંકડા રાજ્‍ય અને દેશના ભાવિ વિકાસ માટે મહત્‍વપૂર્ણ માર્ગદર્શક સાબિત થશે. જનગણના અધિનિયમ, ૧૯૪૮ની કલમ ૪ તથા જનગણના નિયમો, ૧૯૯૦ના નિયમ ૩ મુજબ રાજ્‍ય સરકારે જનગણના અધિકારીઓની નિમણૂક અંગે જાહેરનામું પણ બહાર પાડયું છે. નિયુક્‍ત અધિકારીઓને ફરજો નિષ્ઠા, જવાબદારી અને સાવચેતીપૂર્વક બજાવવા સૂચના આપવામાં આવી છે.

જનગણના-૨૦૨૭ના બે તબક્કા એપ્રિલથી સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ ઘરયાદી અને મકાનોની ગણતરી (HLO) ફેબ્રુઆરી ૨૦૨૭ વસતિ ગણતરી (PE)  (૪૦.૧૮)

 

(10:24 AM IST)