<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મૂલાકાતે ભારત-નેપાલ અને શ્રીલંકા તથા માલદીવ્સ ખાતેના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર અને ઉદ્યોગ-વાણિજ્ય ડેપ્યુટી મિનિસ્ટર

વાયબ્રન્ટ સમિટ-2027 અને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી થવા મુખ્યમંત્રીએ આમંત્રણ પાઠવ્યું : ગુજરાત સાથે ઉદ્યોગ-વેપાર અને શિક્ષણ ક્ષેત્રે સંબંધો વધારવા ડેલિગેશને ઉત્સુક્તા દર્શાવી

અમદાવાદ તા.૧૩

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને શ્રીલંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુશ્રી. સ્ટેલા નકોમો  અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી. 

 

અમદાવાદમાં તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહેલા  સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના 12માં ટ્રેડશોમાં સહભાગી થવા આ ડેલિગેશન ગુજરાત આવેલું છે. 

 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આ ડેલિગેશને ગાંધીનગરમાં યોજેલી સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન તેમણે ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝ સેક્ટરને ગુજરાતના SME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટિઝનો સહયોગ મળે તે અંગે ફળદાયી ચર્ચા-પરામર્શ કર્યા હતા. 

 

ઝિમ્બાબ્વેના એમ્બેસેડરશ્રી અને ડેપ્યુટી મિનિસ્ટરશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ અને ઉભરતા સેકટર એવા સેમિકન્ડક્ટરમાં પણ હબ બનવા સાથે MSME સેક્ટરમાં પણ અગ્રેસર છે તેનો લાભ લેવા ઝિમ્બાબ્વે ઉત્સુક છે. 

 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતના MSMEની આ તજજ્ઞતાનો લાભ ઝિમ્બાબ્વેને મળી રહે તે માટે તેમના SME સેક્ટરના પોટેન્શિયલ અને સ્કીલ ડેવલપમેન્ટ તથા ટ્રેનિંગમાં કઈ રીતે કોલાબોરેશનથી આગળ વધી શકાય તેની સંભાવનાઓ ચકાસીને મદદ માટેની તત્પરતા વ્યક્ત કરી હતી. 

 

ઝિમ્બાબ્વે ડેલિગેશને ઉદ્યોગ વેપાર ઉપરાંત એજ્યુકેશન સેક્ટરમાં પણ ગુજરાત સાથે સંબંધો વિસ્તારવામાં રસ દાખવ્યો હતો. ગાંધીનગરની NFSUમાં સિક્યુરિટી, સાયબર ક્રાઇમ સિક્યુરિટી જેવા વિવિધ વિષયોના ઉચ્ચ અભ્યાસક્રમમાં ઝિમ્બાબ્વેના પોલીસ અને સિક્યુરિટી અધિકારીઓ જોડાયેલા છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. 

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝિમ્બાબ્વે આગામી વાઇબ્રન્ટ સમિટ-2027 અને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની આગામી કડીમાં સહભાગી થાય તે માટેનું આમંત્રણ પાઠવ્યું હતું. 

 

ઝિમ્બાબ્વેના એમ્બેસેડર તથા ડેપ્યુટી મિનિસ્ટરે માર્ચ-2026માં તેમને ત્યાં યોજાઇ રહેલા SME એક્ઝિબિશનમાં ગુજરાતના MSME સેક્ટરના ઉદ્યોગકારો અને રાજ્ય સરકારના અધિકારીઓને મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. 

 

SME અને ટ્રેડના લોકો સાથે ઇન્ટરેકશન અને ઉદ્યોગોની પ્રત્યક્ષ મુલાકાતથી ઝિમ્બાબ્વેના SME સેક્ટરને નવી ટેકનોલોજી સુસંગત વિકાસ માટેની તક આના પરિણામે મળશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. 

 

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે આ સૌજન્ય મૂલાકાત બેઠકમાં જોડાયા હતા.

 

(5:26 PM IST)