<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

ગુજરાતમાં સગીરા-મહિલા સાથે દુષ્‍કર્મ સહિતના કેસમાં સજાનોદર માંડ ૧૧.૮૪%

તારીખ પે તારીખઃ સુનાવણીમાં સરેરાશ ૧,૨૯૩ દિવસ લાગ્‍યા : પોક્‍સો, ફાસ્‍ટ ટ્રેક, સ્‍પે. ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં ૧૦,૧૬૨ કેસ પડતર

 

અમદાવાદ,તા.૧૨: ગુજરાતમાં પોક્‍સો, ફાસ્‍ટ ટ્રેક સ્‍પેશિયલ કોર્ટ તેમજ ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં મહિલાઓ વિરુદ્ધના ૧૦,૧૬૨ કેસ અત્‍યારે પડતર છે. સગીરા સહિત મહિલાઓની છેડતી, દુષ્‍કર્મ સહિતના વિવિધ કેસ સામેલ છે, ૩૧મી ડિસેમ્‍બર ૨૦૨૫ સુધીની આ સ્‍થિતિના આંકડા બુધવારે કેન્‍દ્રીય મહિલા અને બાળ કલ્‍યાણ વિકાસ મંત્રાલયે જાહેર કર્યા છે. મહિલાઓ વિરુદ્ધના કેસમાં પોકસો સહિતની સ્‍પેશિયલ કોર્ટમાં ગુજરાતમાં આરોપીઓને સજાનો દર ૧૧.૮૪ ટકા જેટલો જ રહ્યો છે, જે દેશના મોટા ભાગના રાજ્‍યોની સરખામણીએ ખૂબ જ ઓછો છે. વર્ષ ૨૦૨૫ના જાન્‍યુઆરીથી નવેમ્‍બર સુધીનો આ કન્‍વીક્‍શન રેટ છે. એનો મતલબ એ છે કે, ગુજરાતમાં મોટા ભાગના કિસ્‍સામાં આરોપીઓનો છુટકારો થાય છે, જે અંકદરે પોલીસ તપાસ સામે અનેક સવાલો ઊભા કરે છે. વર્ષ ૨૦૨૪માં સ્‍પે. ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં સુનાવણીમાં સરેરાશ ૧૨૯૩ દિવસો લાગ્‍યા છે. ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધના કેસમાં સજાનો દર ખૂબ ઓછો છે, ગુજરાતમાં કન્‍વીકશન રેટ ૧૧.૮૪ ટકા છે. પાડોશી રાજ્‍ય મધ્‍યપ્રદેશમાં ૨૦.૧૧ ટકા, રાજસ્‍થાનમાં ૨૩.૦૭ ટકા છે. અન્‍ય રાજ્‍યો તામિલનાડુમાં ૨૭.૫૧ ટકા, ઉત્તર પ્રદેશ ૨૭.૩૨ ટકા, પંજાબ ૨૬.૦૬ ટકા, છત્તીસગઢ ૧૯.૯૨ ટકા, હરિયાણા ૨૬.૬૮ ટકા જ્‍યારે મિઝોરમમાં સૌથી ઊંચો ૮૧.૦૩ ટકા કન્‍વીક્‍શન રેટ છે. ગુજરાતમાં ૧૦,૧૬૨ કેસ પડતર છે તે પૈકી પોક્‍સો સહિતની ૩૫ સ્‍પે. ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં ૫,૦૯૫ જ્‍યારે ૫૪ ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં ૫,૦૬૭ કેસ પડતર છે. ગુજરાતમાં સ્‍પે. ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં સુનાવણીમાં સરેરાશ ૧૨૯૩ દિવસો લાગ્‍યા છે, જ્‍યારે આંધ્રપ્રદેશમાં ૨૫૭ દિવસ, છત્તીસગઢમાં ૩૩૩ દિવસ, મધ્‍યપ્રદેશમાં ૩૮૦ દિવસ, પાડોશી રાજ્‍ય મહારાષ્ટ્રમાં ૫૭૫ દિવસ લાગ્‍યા છે. આ આંકડા પરથી કહી શકાય કે, એકંદરે ગુજરાતમાં ન્‍યાય મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. વખતોવખત જજ, લીગલ સ્‍ટાફની ભરતી માટે ગુજરાતમાં અનેક વાર રજૂઆતો થઈ છે.(૪૦.૧૧)

 

 

 

 

 

 

 

 

(10:09 AM IST)