<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

રાજુ કરપડા સહિતનાએ જેલમાં પણ યાતનાઓ સહન કરી : ભાજપની નીતી અત્‍યાચાર આચરીને આંદોલન તોડી પાડવાની : ઇસુદાન ગઢવી , ચૈતર વસાવા, પ્રવિણ રામ

આમ આદમી પાર્ટીના ધુરંધર ખેડુત નેતાએ રાજીનામુ આપતા હોદેદારોએ ભાજપ સરકાર સામે આક્રોશ ઠાલવ્‍યો

રાજકોટ, તા., ૧૧: આમ આદમી પાર્ટીના ખેડુત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપતા આમ આદમી પાર્ટીના હોદેદારોએ ભાજપ સરકાર સામે આક્રોશ ઠાલવ્‍યો છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે, ખેડુત નેતા રાજુ કરપડાએ ખેડુતો માટે આંદોલનો કરીને અવાજ ઉઠાવ્‍યો હતો. બોટાદ પંથકમાં આંદોલન કરીને ભાજપ સરકારે તેની ઉપર અત્‍યાચાર કર્યો છતા પણ ડગ્‍યા વગર આંદોલનમાં અડગ રહયા હતા અને ૧૦૮ દિવસ સુધી જેલમાં પણ જવુ પડયું હતું.

જેલમાંથી છુટયા બાદ તેમણે જણાવ્‍યું હતું કે, જેલમાં પણ ભાજપ સરકારના કહેવાથી ખુબ જ અત્‍યાચાર કરવામાં આવતો હતો.

ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્‍યું કે, ભાજપ સરકારે આમ આદમી પાર્ટીના ખેડુત નેતાઓ તથા આગેવાનો તેમજ ખેડુતો ઉપર પણ અત્‍યાચાર ગુજારવામાં આવ્‍યો હતો તેમ છતા સૌ કોઇ અડગ રહયા હતા અને ભાજપ સરકારે પેકેજ જાહેર કરવુ પડયું હતું.

ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્‍યું કે, ભાજપ સરકાર શામ, ડામ, દંડની નીતી અપનાવીને આંદોલનો તોડી પાડવા માટે સતત સક્રિય રહે છે. જેનો ભોગ રાજુ કરપડા બન્‍યા હોય તેવું મને લાગે છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય ચૈતર વસાવાએ જણાવ્‍યું હતું કે, રાજુ કરપડા ખેડુતોના મજબુત નેતા હતા અને તેમણે વારંવાર ખેડુતો માટે અવાજ ઉઠાવ્‍યો હતો. પરંતુ ભાજપની ડરાવવાની નીતી અને આંદોલન તોડી પાડવાની નીતી સામે તેઓ ઝુકી ગયા હોય તેવું લાગે છે.

આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે જણાવ્‍યું હતું કે, અમે ૧૦૮ દિવસ સુધી જેલમાં યાતનાઓ ભોગવી હતી. ભાજપ સરકારની પ્રેશર ટેકનીકના કારણે રાજુ કરપડાએ રાજીનામુ આપી દીધું હોય તેવું લાગી રહયું છે.

(1:36 PM IST)