તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Wednesday, 11th February 2026
બજેટમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ માટે ૬૦૦૦ કરોડથી વધુ ફાળવણી થશે
સોમવારથી શરૂ થતા સત્રમાં બુધવારે નાણામંત્રી કનુભાઇ વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરશેઃ બજેટમાં સામાજિક સેવા, આરોગ્ય, શિક્ષણ, કૃષિ તેમજ યુવા, મહિલા, એસસી, એસટી અને ઓબીસી સમુહને કેન્દ્રમાં વિવિધ પ્રકારની જોગવાઇઓ કરવામાં આવનાર છે : સોમનાથ, દ્વારકા જેવા યાાત્રાધામોમાં તાલીમબદ્ધ ગાઇડ તૈયાર કરાશેઃ શ્રમિકો માટે સરકાર મેઇડ હોસ્ટેલ-કોમ્પ્લેક્સ ઊભી કરવા વિચારી રહી છે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર,તા.૧૧: દેશમાં ઔદ્યોગિક અને આર્થિક તેમજ સામાજિક રીતે ઝડપથી વિકસિત થઇ રહેલું ગુજરાત હવે આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમતનું હબ બનવા માટે સજ્જ થઇ રહ્યું છે. કોમનવેલ્થ ગેઇમ્સ અને ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક સ્તરની રમતગમત માટે ગુજરાતના અમદાવાદ અને સુરત જેવા મહાનગરો દાવેદાર બની રહ્યા છે ત્યારે આગામી વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં આવી ગેઇમ્સ માટે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ટર તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મેદાનો બનાવવા રૂ.૬૦૦૦ કરોડથી વધુ જેવી જંગી ફાળવણી કરવામાં આવી શકે છે. આગામી સોમવારથી ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થઇ રહ્યું છે. નાણામંત્રી કનુભાઇ દેસાઇ બુધવારે બજેટ રજૂ કરનાર છે. આ બજેટમાં સામાજિક સેવા, આરોગ્ય, શિક્ષણ, કૃષિ તેમજ યુવા, મહિલા, એસસી, એસટી અને ઓબીસી સમુહને કેન્દ્રમાં વિવિધ પ્રકારની જોગવાઇઓ કરવામાં આવનાર છે એની સાથો સાથ રમતગમત ક્ષેત્રે વિશેષ ફોકસ કરવામાં આવી શકે છે.
નાણાવિભાગ સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા પ્રમાણે, આગામી ૨૦૩૦માં યોજાનારી કોમનવેલ્થ ગેઇમ્સ માટે ભારતમાં અમદાવાદને યજમાની કરવાની કોમનવેલ્થ ગેઇમ્સ કમિટીએ મંજૂરી આપી છે અને ૨૦૩૬ના ઓલિમ્પિક્સ માટે તડામર તૈયારીઓ થઇ રહી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ તેના અંદાજપત્રમાં કરોડો રૂપિયા અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રમતગમતના મેદાનો વિકસાવવા માટે ફાળવણી કરી છે. એની સાથોસાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર પણ આ રમતો માટે ખાસ ફંડ ફાળવવા સજ્જ છે. એક અંદાજ પ્રમાણે, અઢી હજારથી ત્રણ હજાર કરોડ રમતગમતની માળખાકીય સુવિધા તેમજ કોમનવેલ્થ ગેઇમ્સ માટેના ખાસ રહેણાંક સહિતની સુવિધાવાળા નગરોના નિર્માણ માટે ફાળવી શકે છે. કેન્દ્ર સરકારે પણ તેના આગામી અંદાજપત્રમાં ‘ખેલો ઇન્ડિયા મિશન'ની જાહેરાત કરી છે તેમાં રમતગમતના સામાન માટે ઉત્પાદન, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા ખાસ પહેલનો પ્રસ્તાવ કરાયો છે. ફાઉન્ડેશનલ, ઇન્ટરમીડિયેટ અને એલિટ સ્તરે તાલીમ કેન્દ્રો દ્વારા સમર્થિત એક સંકલિત પ્રતિભા વિકાસ માર્ગ, કોચ અને સહાયક સ્ટાફનો વ્યવસ્થિત વિકાસ, રમતગમત વિજ્ઞાન અને ટેકનોલોજીનું એકીકરણ, રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સ્પર્ધાઓ અને લીગ અને તાલીમ અને સ્પર્ધા માટે રમતગમતના માળખાનો વિકાસ કરવામાં આવશે. આ તમામ માટે કેન્દ્ર સરકાર પાસેથી રૂ.૩૦૦૦ કરોડનું ફંડ મળી શકે છે આમ, લગભગ ૬૦૦૦ કરોડની રકમ સ્પોર્ટ્સ માટે પ્રાપ્ત થઇ શકે છે.
આ સૂત્રોના કહેવા પ્રમાણે, કેન્દ્ર સરકારે સાધનો અને સામગ્રીનું ઉત્પાદન કરવા, ફુલ સ્ટેક ઈન્ડિયન આઈપી ડિઝાઇન કરવા અને સપ્લાય ચેઈનને મજબૂત બનાવવા માટે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) ૨.૦ શરૂ કરવાની જાહેરાત કરી છે જેનો મહત્તમ લાભ ગુજરાતને મળી શકે છે. આને લઇને પણ કેટલીક જાહેરાતો થઇ શકે છે સાથે ઔદ્યોગિક નીતિઓ તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સંદર્ભમાં નવી પહેલા બજેટમાં હોઇ શકે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી (એસઓયુ) ખાતે આવતા દેશવિદેશના સહેલાણીઓને સરદાર પટેલથી માડીને અહીં ઊભા કરાયેલા વિવિધ આકર્ષણોની ઝીણવટભરી વિગતો અલગ અલગ ભાષામાં આપી શકે તેવા ટુરિસ્ટ ગાઇડને વિશેષ તાલીમ આપીને તૈયાર કરાયા છે. મોટાભાગના સ્થાનિક યુવાનોને તેમાં રોજગારી મળી છે. આ પ્રયોગની સફળતાને ધ્યાનમાં રાખીને હવે સોમનાથ અને દ્વારકા ખાતે આવતા યાત્રાળુઓને પણ સમગ્ર સોમનાથ અને દ્વારકા-બેટ દ્વારકાના વારસા, વિરાસતની જાણકારી આપી શકે તેવા ગાઇડ તૈયાર કરવા માટે ખાસ બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.
મહાનગરોમાં ડોમેસ્ટીક હેલ્પ એટલે કે ઘરકામ માટે સ્થાનિક જરૂરતમંદોની સાથોસાથ અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવી રોજગારી માટે આવતા હોય છે. સામાન્ય રીતે આવા શ્રમિકો મોટાભાગે શહેરી વિસ્તારો કે તેની નજીકમાં આવેલી ચાલી અથવા તો ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હોય છે. જ્યાં બહુધા પ્રાથમિક સુવિધાઓનો અભાવ અથવા તો અપૂરતી હોય છે. આવા લોકો માટે સરકાર મેઇડ હોસ્ટેલ-કોમ્પ્લેક્સ ઊભી કરવા વિચારી રહી છે. હાલ અમદાવાદ જેવા મહાનગરમાં પ્રાયોગિક ધોરણે કરાઇ શકે છે. જેમાં એક રૂમમાં નાના સમૂહમાં રહી શકે, એમને ન્હાવા ધોવાની રૂમમાં જ સુવિધા પૂરી પડાશે. જેનું સંચાલન મહાનગર પાલિકાના શીરે રહેશે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
