તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
ગુજરાત સરકારનો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ અંગે મોટો નિર્ણય : સુરેન્દ્રનગર - ભાણવડ સહિત રાજ્યની ૦૯ APMCમાં ચૂંટણી યોજવા આદેશ : જ્યારે ૧૫ સમિતિઓની મુદતમાં ૬ મહિનાનો વધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગની મહત્વની જાહેરાત : મતદાર યાદી સુધારણાની કામગીરીને પગલે ઠાસરા, ધોળકા અને દિયોદર સહિતની ૧૫ APMCના વહીવટને અપાયું જીવનદાન

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)ના વહીવટને લઈને બે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંતર્ગત રાજ્યની ૦૯ APMCમાં નવી ચૂંટણીઓ યોજવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે, જ્યારે અન્ય ૧૫ APMCમાં વહીવટી કારણોસર મુદત લંબાવવાનો નિર્ણય લેવાયો છે.
૦૯ APMCમાં ચૂંટણીના નગારા વાગશે
કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, જે બજાર સમિતિઓની મુદત પૂર્ણ થઈ ચૂકી છે ત્યાં નિયમોનુસાર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા માટે 'ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર' નિયામકને સૂચના આપી દેવામાં આવી છે. આ નિર્ણયને પગલે નીચે મુજબની ૦૯ સમિતિઓમાં ટૂંક સમયમાં લોકશાહી ઢબે ચૂંટણી યોજાશે:
* ભાણવડ (દેવભૂમિ દ્વારકા)
* ધોલેરા (અમદાવાદ)
* તલોદ (સાબરકાંઠા)
* સાગબારા (નર્મદા)
* કુકરમુંડા (તાપી)
* સુરેન્દ્રનગર
* કામરેજ (સુરત)
* રાણપુર (બોટાદ)
* બરવાળા (બોટાદ)
૧૫ APMCમાં મુદત વધારાનું કારણ
મંત્રીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં હાલ રાજ્ય ચૂંટણી પંચના આદેશથી મતદારયાદી સુધારણા (SIR)ની કામગીરી ચાલી રહી છે. જિલ્લા રજિસ્ટ્રાર અને કચેરીનો સ્ટાફ આ કામગીરીમાં વ્યસ્ત હોવાથી તાત્કાલિક ધોરણે બધી જગ્યાએ ચૂંટણી યોજવી શક્ય નથી. આથી, વહીવટી સરળતા માટે ૧૫ APMCને જાહેરનામાની તારીખથી ૦૬ મહિનાનો મુદત વધારો આપવામાં આવ્યો છે.
કઈ સમિતિઓને મળી રાહત?
મુદત વધારાનો લાભ મેળવનાર સમિતિઓમાં ખેડા જિલ્લાની ઠાસરા અને ગળતેશ્વર, બનાસકાંઠાની દિયોદર, ભાભર અને ધાનેરા, જૂનાગઢ, અમદાવાદની ધોળકા અને બાવળા, મહેસાણાની બેચરાજી, પંચમહાલની શહેરા, છોટાઉદેપુરની નસવાડી અને છોટાઉદેપુર, સાબરકાંઠાની પ્રાંતિજ, બોટાદની ગઢડા તથા અમરેલીની ખાંભા બજાર સમિતિનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે બજાર સમિતિઓની ચૂંટણી પ્રક્રિયા કોઈ ન્યાયિક હુકમો કે અદાલતી ચુકાદાના અધીન હોય, તેવી સમિતિઓને આ ૦૬ મહિનાના મુદત વધારાનો લાભ મળશે નહીં. આ નિર્ણયથી રાજ્યના ખેત બજારના વહીવટમાં પારદર્શિતા અને સાતત્ય જળવાઈ રહેશે તેમ કૃષિ વિભાગે જણાવ્યું છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
