તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
માત્ર એક અઠવાડિયા પહેલા જ સઉદી અરેબિયા ની ધાર્મિક યાત્રા કરીને પરત ફરનાર સુરતના પરિવારે સામૂહિક આપધાત કરતા હાહાકાર
36 વર્ષીય ફૈઝ અહેમદ , તેમના પત્ની 32 વર્ષીય મુબીના અહેમદ અને તેમનો 13 વર્ષનો પુત્ર નોમાન અહેમદ એ પોતાના નિવાસસ્થાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

સુરત તા.૧૦
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલી હરિપુરા (Haripura) ની સૌયશેરી માંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના 13 વર્ષના નિર્દોષ પુત્રનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર 36 વર્ષીય ફૈઝ અહેમદ , તેમના પત્ની 32 વર્ષીય મુબીના અહેમદ અને તેમનો 13 વર્ષનો પુત્ર નોમાન અહેમદ એ પોતાના નિવાસસ્થાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. પડોશીઓ અને સંબંધીઓને આ બાબતની જાણ થતા તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ કિસ્સો સામુહિક આત્મહત્યાનો હોવાનું જણાય છે, પરંતુ આટલા મોટા અને અંતિમ પગલાં પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ ઘટનાની વધુ ચોંકાવનારી વિગત એ છે કે, આ પરિવાર હજુ માત્ર એક અઠવાડિયા પહેલા જ સઉદી અરેબિયા ની ધાર્મિક યાત્રા કરીને પરત ફર્યો હતો. ફૈઝ અહેમદ વ્યવસાયે ટેલરિંગના કામ સાથે સંકળાયેલા હતા. આર્થિક સંકડામણ કે અન્ય કોઈ કૌટુંબિક વિખવાદ હતો કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. લાલગેટ પોલીસ સ્ટેશન ના અધિકારીઓના જણાવ્યા મુજબ, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે નહીં તેની તપાસ ચાલુ છે.
વિસ્તારમાં શોકનું મોજું
શાંત અને ધાર્મિક પ્રકૃતિનો આ પરિવાર અચાનક આવું પગલું કેમ ભરી શકે તે પ્રશ્ન હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. 13 વર્ષના બાળકનું મોત થતા સ્થાનિકોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ અને પરિવારના નજીકના લોકોના નિવેદનો નોંધી રહી છે જેથી આત્મહત્યા પાછળનું રહસ્ય (Mystery) ઉકેલી શકાય.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
