તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
એક કિલોનો ભાવ ૪-૫ રૂપિયા...ખેડૂતો મફતના ભાવે ડુંગળી વેચવા મજબૂર
આ કિંમતે તો મજૂરી પણ નીકળતી નથીઃ ત્રણ મહિના મહેનત, મજૂરી ખર્ચ, યાર્ડ સુધી ડુંગળી લાવવાનો ખર્ચ જોઇએ તો અમને બહુ મોંઘું પડે છેઃ ખેડૂત

અમદાવાદ,તા.૧૦: સૌરાષ્ટ્રમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોને મજબુરીમાં મફતના ભાવે ડુંગળી વેચવાનો વારો આવ્યો છે. ખેડૂતોના દાવા પ્રમાણે તેઓને ડુંગળીનો ભાવ ૬૦થી ૭૦ રૂપિયા પ્રતિ મણ મળી રહ્યો છે. એટલે કે ૪-૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરવું પડી રહ્યું છે. બીજી તરફ નાસિકની ડુંગળીના ભાવ ૨૫૦થી ૩૦૦ રૂપિયા મળી રહ્યા છે. રાજકોટના જૂના માર્કેટિગ યાર્ડમાં ડુંગળી ૬૦ રૂપિયાથી લઇને ૨૦૦ રૂપિયા પ્રતિ મણ એટલે કે ૩થી વધુમાં વધુ ૧૪ રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહી છે.
ડુંગળીના ભાવ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે, ૧૫ રૂપિયા કિલો તો ડુંગળીની પડતર કિંમત છે. તેની સામે ૩-૪ રૂપિયા કિલોના ભાવે ડુંગળી વેચાઈ રહી છે. આ કિમતે તો મજૂરી પણ નીકળતી નથી. ત્રણ મહિના મહેતન, મજૂરી ખર્ચ, યાર્ડ સુધી ડુંગળી લાવવાનો ખર્ચ જોઇએ તો અમને બહુ મોંઘું પડે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચારેક દિવસથી મહુવાના માર્કેટીંગ યાર્ડમાં સફેદની તુલનામાં લાલ ડુંગળીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. મહુવા માર્કેટીંગ યાર્ડમાં ગત તા.૫ તારીખે લાલ ડુંગળીની ૪૦,૧૫૦ થેલીનું વેચાણ થયુ હતુ. જેના રૂા ૨૭૩ ઉંચા ભાવ મળ્યા હતા. જયારે સફેદ ડુંગળીની ૨૨૦૨૧ થેલીનું વેચાણ થયુ હતુ. જેના રૂા ૩૮૦ના ઉંચા ભાવ મળ્યા હતા. જયારે તા.૬ના રોજ લાલ ડુંગળીની ૩૨૧૧૪ થેલીનું વેચાણ થયુ હતુ.જેના ૩૨૦ ના ઉંચા ભાવ મળ્યા હતા.જયારે સફેદ ડુંગળીની ૧૬૬૬૧ થેલીનું વેચાણ થયુ હતુ. જેના રૂા ૪૦૧ ઉંચા ભાવ મળ્યા હતા.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
