<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

રાજ્યમાં ક્વોરી ઉદ્યોગે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું :પડતર માંગણી મામલે સજ્જડ બંધ: અંદાજે 5000થી વધુ ડમ્પરોના પૈડા થંભ્યા

સાયલા તાલુકામાં જ 100થી વધુ સ્ટોન ક્રશર પ્લાન્ટ અને 70થી વધુ ખાણોમાં કામગીરી સજ્જડ બંધ રહેતા હજારો શ્રમિકોની આજીવિકા સામે ગંભીર સંકટ ઉભું થયું

અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સંચાલકોએ  પડતર માંગણીઓને લઈને મક્કમ નિર્ધાર સાથે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે, જેના કારણે રાજ્યભરમાં આ ક્ષેત્રના પૈડાં થંભી ગયા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં જ 100થી વધુ સ્ટોન ક્રશર પ્લાન્ટ અને 70થી વધુ ખાણોમાં કામગીરી સજ્જડ બંધ રહેતા હજારો શ્રમિકોની આજીવિકા સામે ગંભીર સંકટ ઊભું થયું છે.

   આ આંદોલનની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અંદાજે 5 હજારથી વધુ ડમ્પરોના પૈડાં થંભી જતાં પરિવહન વ્યવસ્થાને પણ મોટી અસર પહોંચી છે. ક્વોરી સંચાલકોનો આક્ષેપ છે કે સરકાર ઉદ્યોગના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવાને બદલે દિન-પ્રતિદિન વધુ જટિલ અને કડક નિયમો લાદી રહી છે, જે આ વ્યવસાયને ખતમ કરી રહ્યા છે. વધુમાં, સરકારી વિભાગોમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અંગે ગંભીર સવાલો ઉઠાવીને સંચાલકોએ માંગ કરી છે કે જો ઉદ્યોગને બચાવવો હોય તો તાત્કાલિક ધોરણે નવા અવ્યવહારુ નિયમો રદ કરવા જોઈએ.   

(11:23 AM IST)