<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

અમદાવાદના અખબારનગર સર્કલ પાસે અકસ્માત: ચાલુ કારે ડ્રાઈવરને 'ખેંચ' આવતા બે ગાડીઓ વચ્ચે સર્જાયો ધડાકો

અખબારનગર સર્કલ પાસે એક અસામાન્ય અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલુ કારે ચાલકની તબિયત લથડતા અને અચાનક ખેંચ (ફિટ) આવતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર અન્ય વાહન સાથે અથડાઈ હતી

 અમદાવાદ : અમદાવાદના વ્યસ્ત વિસ્તાર ગણાતા અખબારનગર સર્કલ પર ત્યારે ભાગદોડ મચી ગઈ જ્યારે એક પુરપાટ ઝડપે જતી કાર અચાનક રસ્તા પર બેકાબૂ બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર ચલાવી રહેલા વ્યક્તિને અચાનક ખેંચ (ફિટ) આવવાને કારણે તેઓ કાર પરનું સંતુલન જાળવી શક્યા નહોતા.
નિયંત્રણ બહાર ગયેલી આ કારે રસ્તા પર જઈ રહેલી અન્ય એક કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને ગાડીઓના કચ્ચરઘાણ વળી ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડવાની કામગીરી કરી હતી.
ટ્રાફિક પર અસર:
આ ઘટનાને કારણે સર્કલ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

(4:09 PM IST)