<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

વડોદરા: વિશ્વામિત્રીના કિનારે 'મગર ગણતરી'નો પ્રારંભ, 25 કિમીના પટમાં સર્વે શરૂ

MS યુનિવર્સિટી અને વન વિભાગનું સંયુક્ત મિશન: ડે-નાઈટ શિફ્ટમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી થશે મગરોની વસ્તી ગણતરી; 10 ઝોનમાં 30થી વધુ વોલન્ટિયરોની ટીમ તૈનાત

વડોદરા: વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી અને મગરોના કુદરતી રહેઠાણ તરીકે જાણીતી વિશ્વામિત્રી નદીમાં આજે વહેલી સવારથી જ મગરોની વસ્તી ગણતરીની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો છે. વડોદરા અને મગરો એકબીજાના પર્યાય ગણાય છે, ત્યારે આ મગરોની સંખ્યા અને તેમના રહેણાંકની સચોટ માહિતી મેળવવા માટે એમ.એસ. યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગ અને વન વિભાગ દ્વારા આ ખાસ વૈજ્ઞાનિક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વિવિધ NGOના સભ્યો પણ ખભેખભા મિલાવીને જોડાયા છે.

વૈજ્ઞાનિક પદ્ધતિ અને ટેકનોલોજીનો ઉપયોગ આ ગણતરી પ્રક્રિયા વિશે માહિતી આપતા એમ.એસ. યુનિવર્સિટીના પ્રો. ડો. રણજીતસિંહ દેવકરે જણાવ્યું હતું કે, નદીના અંદાજે 25 કિલોમીટરના વિસ્તારને 10 અલગ-અલગ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. હાલ 'ડાયરેક્ટ સાઇટિંગ' પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉનાળાની શરૂઆત હોવાથી મગરો સૂર્યપ્રકાશમાં 'બાસ્કિંગ' (તડકો ખાવા) માટે નદીના કિનારે બહાર આવતા હોય છે, જેના કારણે દિવસ દરમિયાન તેમની ચોક્કસ ગણતરી કરવી સરળ બને છે.

રાત્રિના સમયે હાઈ-પાવર હેડલાઈટથી ટ્રેકિંગ દિવસના સર્વે બાદ હવે રાત્રિના સમયે પણ કામગીરી ચાલુ રાખવામાં આવશે. રાત્રે મગરોની આંખોના પ્રતિબિંબના આધારે તેમને ટ્રેક કરવા માટે ખાસ હાઈ-પાવર ટોર્ચ અને હેડલાઈટનો ઉપયોગ કરવામાં આવશે. ઝૂઓલોજી વિભાગના 30 જેટલા તાલીમબદ્ધ વોલન્ટિયરો દરેક ઝોનમાં 2થી 3 કલાક સુધી સતત નિરીક્ષણ કરશે. વર્ષ 2025 પછી આ પ્રથમ મોટી વૈજ્ઞાનિક ગણતરી છે, જે નદીની ઇકોસિસ્ટમને સમજવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે.

માનવ-મગર સંઘર્ષ ઘટાડવાનો ઉદ્દેશ્ય આ ગણતરી માત્ર આંકડા મેળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ મગરોના રહેણાંક અને તેમના પ્રજનન વિસ્તારોની ઓળખ કરીને ભવિષ્યમાં શહેરમાં સર્જાતા માનવ-મગર સંઘર્ષને ઘટાડવા માટેની રણનીતિ ઘડવામાં પણ ઉપયોગી થશે. વન વિભાગ આ ડેટાના આધારે મગરોના સંરક્ષણ અને સુરક્ષા માટે આગામી પગલાં ભરશે. શહેરીજનોમાં પણ આ ગણતરીને લઈને ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.

(4:06 PM IST)