તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
ઠાકોર સમાજની મહેનત રંગ લાવી :ભાભરના વડાણા ગામે દારૂ વેચાણ-સેવન પર પૂર્ણ પ્રતિબંધ :શક્તિમાતાજી મંદિરે સંકલ્પ
વિશેષ બેઠકમાં ઠાકોર સમાજના અગ્રણીઓ, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, સામાજિક આગેવાનો, ગામના વડીલો અને યુવાનોની ઉપસ્થિતિમાં વડાણા ગામને સંપૂર્ણ દારૂ મુક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના વડાણા ગામમાં દારૂના વધતા વ્યસન અને ગેરકાયદેસર વેચાણ સામે ગ્રામજનોએ મજબૂત પગલું ભર્યું છે.ગામના શક્તિમાતાજી મંદિર ખાતે યોજાયેલી વિશેષ બેઠકમાં ઠાકોર સમાજના અગ્રણીઓ, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, સામાજિક આગેવાનો, ગામના વડીલો અને યુવાનોની ઉપસ્થિતિમાં વડાણા ગામને સંપૂર્ણ દારૂ મુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે વડાણા ગામની હદમાં કોઈપણ પ્રકારનું દારૂ પીવું સંપૂર્ણપણે નિષેધ રહેશે. દારૂનું વેચાણ, સપ્લાય કે સંગ્રહ કરવો પણ પૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. જો કોઈ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરતી જણાશે તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવશે. તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ નિર્ણયના અમલીકરણ માટે ગ્રામજનોએ ભાભર મામલતદાર કચેરી અને ભાભર પોલીસ મથકમાં લેખિત આવેદનપત્ર રજૂ કર્યું છે. આવેદનમાં બહારથી દારૂનો સપ્લાય કરનારાઓ, ગેરકાયદેસર વેચાણ કરનારાઓ અને દારૂ લઈ આવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આ પહેલ ભાભર તાલુકાના અન્ય ગામોમાં પણ ચાલી રહેલી વ્યસનમુક્તિ અને દારૂબંધીની ચળવળનો એક ભાગ છે. ભીમબોરડી, અબાસણા સહિત અનેક ગામોએ પહેલેથી જ આવા નિર્ણયો લીધા છે. ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ઓગડથળી ખાતે યોજાયેલી સભામાં આ અંગે બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું, જેના આધારે આ ગામડાઓમાં સ્વેચ્છાએ દારૂબંધીની હિલચાલ ચાલી રહી છે.
વડાણા ગામના લોકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ ગામને શાંતિપૂર્ણ, સ્વસ્થ અને વ્યસનમુક્ત બનાવવા માટે પોલીસ વહીવટને પૂર્ણ સહકાર આપવા તૈયાર છે. આ નિર્ણયથી ગામના યુવાનો, બાળકો અને પરિવારોના ભવિષ્યને સુરક્ષિત અને સ્વસ્થ રાખવાનો પ્રયાસ છે.
આ પહેલને બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના અન્ય ગામોમાં પણ પ્રેરણારૂપ માનવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું માનવું છે કે સમાજની આંતરિક શક્તિ અને એકતાથી જ વ્યસન જેવી સામાજિક બીમારીને મૂળમાંથી નાબૂદ કરી શકાય છે.આ નિર્ણય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વ્યસનમુક્તિની ચળવળને વધુ મજબૂતી આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
