<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

સુરતના વરાછામાં વેપારીનો તોડ કરવા આવેલો નકલી ઈન્કમટેક્સ ઑફિસર ઝડપાયો: ID કાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો

વેપારીને તમારા ઈન્કમટેક્સમાં લોચા હોવાથી રૂ. 30 લાખ આપવા પડશે. આખરે રકઝકના અંતે 4 લાખ આપવાનું નક્કી થયું હતુ

સુરતમાંથી હવે નકલી ઇન્કમટેક્સ ઓફિસર ઝડપાયો છે. વરાછા પોલીસે નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને તોડ કરવા આવેલા 51 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો છે. જેમાં ફરિયાદીને તમારો ઈન્કમટેક્સ બરોબર નથી તેમાં લોચો છે, કહી 30 લાખની માંગણી કરી હતી. આખરે 4 લાખ રૂપિયાના લેવાના નક્કી થયા હતા. જો કે વરાછા પોલીસે ત્વરિત કર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસીપી આલોક કુમારએ જણાવ્યું હતું કે, વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં એક ફરીયાદી પાસે રાજસ્થાનના પાલી જિલ્લાનો વતની વિજયસિંહ ચૌહાણ નકલી ઈન્કમટેક્સ ઑફિસર બનીને આવ્યો હતો. જેણે વેપારીને ધમકાવ્યા હતા કે, તમારું ઈન્કમટેક્સ બરાબર નથી અને તેમાં લોચા છે. આથી તમારે રૂ. 30 લાખ રૂપિયા આપવા પડશે. આખરે રકઝકના અંતે રૂ. 4 લાખમાં ડીલ નક્કી થઈ હતી.

જો કે ફરિયાદીએ જ્યારે ID કાર્ડ માંગતા વિજયસિંહ ગલ્લાતલ્લા કરવા લાગતા તેમને શંકા ગઈ હતી. જે બાદ તેમણે વરાછા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આથી વરાછા પોલીસે તાત્કાલિક ટીમને ત્યાં મોકલીને આરોપી વિજયસિંહને ઝડપી પાડ્યો હતો.

 

પોલીસની પ્રાથમિક તપાસમાં, આરોપી વિજયસિંહ ચૌહાણ વધારે ભણેલો નથી. તે પ્રથમવાર જ ઈન્કમટેક્સ ઑફિસર બનીને આવ્યો હતો. આ માટે વિજયસિંહે પહેરવેશ પણ સ્ટાન્ડર્ડ રાખ્યો હતો, જેથી કોઈને શંકા ના જાય.

વધુમાં DCPએ લોકોને અપીલ કરી છે કે, કોઈ પણ વ્યક્તિ GST ઓફિસર તરીકે બનીને આવે તો સૌથી પહેલા તેની આઇડેન્ટીટી ચેક કરે, પોલીસનો વ્યક્તિ પણ સાદા કપડામાં દુકાનમાં રેડ કરવા આવે તો આઇડેન્ટી માંગે, કોઈ પણ અધિકારી આવી રીતે ડાયરેક્ટ પૈસા ન લઈ શકે.

તેની એક લીગલ પ્રોસેસ હોય છે. ઈનકમટેક્સ અંગે નોટિસ આપવામાં આવે છે આવી રીતે ડાયરેક્ટ સેટલમેન્ટ ન કરી શકે એટલે ક્યારેય કોઈ ફોસલવવામાં આવવું નહીં, લોકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.

વધુમાં ઊર્મર્યુ કે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં પહેલીવાર જ તેણે આવું કર્યું છે. આ મામલે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરવામાં આવશે અને તપાસ કરવામાં આવશે કે આના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયો છે કે નહી.

 

(6:31 PM IST)